લેસ્ટરવાસી મગનભાઈની ભારતમાં ૫૧૫૦ કિ.મી.ની સાયકલયાત્રા

Monday 14th March 2016 11:08 EDT
 
 

પોરબંદરઃ ભારતમાં દિવસે-દિવસે સાયકલનું ચલણ ઘટતું જાય છે અને યુવાનો બાઇક અને કારનો ક્રેઝ વધતો જાય છે ત્યારે ભારતીય મૂળના તથા લેસ્ટર સ્થિત સાયકલ યાત્રી મગનભાઈ રાજાણીએ ભારતના ૮ રાજ્યોની સાયકલયાત્રા પૂર્ણ કરી છે.

તેઓ મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ ગામના છે અને હાલમાં તેઓ તેમના સસરાનાં ગામ પોરબંદર પહોંચ્યા છે. તેમણે આ વખતે ભારત પ્રવાસ દરમિયાન ૫૧૫૦ કિલોમીટર બે મહિનાની યાત્રા પૂર્ણ કરી છે. મગનભાઇ રાજાણીના પરિવારના સભ્યો પૈકી તેમના બાવન વર્ષીય પુત્ર જયલેશભાઇ છેલ્લા ૩ વર્ષથી નિયમિત રીતે ભારતભ્રમણ માટે સાયકલ લઇને આવે છે.

સાયકલયાત્રાનો અનોખો શોખ ધરાવતા જયલેશભાઈ આ વર્ષે ૧૧મી જાન્યુઆરીના કન્યાકુમારી ખાતે આવી ગયા હતા અને ત્યાંથી તેમણે ભારતભ્રમણ શરૂ કર્યું હતું. ત્યાંથી તેમણે ૮ રાજ્યોની સાયકલયાત્રા શરૂ કરી હતી. તેઓ નેપાળનાં કાઠમંડુ સુધી જઇ આવ્યા છે. કન્યાકુમારીથી કાઠમંડુ સુધીની સાયકલયાત્રામાં તેમણે અલ્હાબાદમાં કુંભમેળાનો પણ લાભ લીધો હતો.

મદુરાઇ, પોંડીચેરી, ચેન્નઇ, હૈદ્રાબાદ, નાગપુર, લખનૌ, વારાણસી, ઝાંસી, ઇન્દોર થઇને તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી જૂનાગઢ થઇને હવે પોરબંદર પહોંચ્યા છે. તેમણે એવું જણાવ્યું હતું કે, ભારતમાં અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિનો તેમણે પરિચય મેળવ્યો છે અને તેની સાથોસાથ ભારતીય લોકોની લાગણી અને પ્રેમ પણ ભરપુર મળ્યા છે.

માત્ર ૧૨ કિલો વજન ધરાવતી તેમની સાયકલ પર દરરોજ ૧૪૦ કિલોમીટર યાત્રા તેઓ કરે છે. તેમની સાથે ૨૫ કિલો જેટલો સામાન પણ બેગમાં હોય છે અને સાયકલ ચલાવતી વખતે માથા ઉપર હેલમેટ અચૂક પહેરે છે.

તેઓ કહે છે કે, રસ્તામાં ક્યાંય તેમને કોઇપણ પ્રકારની પરેશાની વેઠવી પડી નથી. વળી, સાયકલ ચલાવવાને લીધે શારીરિક સ્ફૂર્તિ રહે છે અને ભારતના જુદા જુદા રાજ્યોનાં વાતાવરણનો પણ લાભ મળ્યો છે. મગનભાઈએ ભારતનાં ૮ રાજ્યોનું પરિભ્રમણ સાયકલ દ્વારા કર્યું હતું

સાયકલયાત્રા દરમિયાન મગનભાઈએ અનુભવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ કરતાં ગુજરાતનાં રસ્તા ઘણા સારા છે. અન્ય રાજ્યોમાં માંડ બે-ત્રણ કિલોમીટર સારા રોડ હોય પછી ૮-૧૦ કિલોમીટર ધૂળિયા રોડ હોવાથી સાયકલ ચલાવવી આકરી થઈ જાય છે.

પોરબંદર આવેલા આ સાયકલયાત્રીએ એવું જણાવ્યું હતું કે, તેઓ ૬૦૦૦ કિલોમીટરની સાયકલયાત્રા પૂર્ણ કરવાના છે. પોરબંદરથી નીકળીને તેઓ સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર અને પાલિતાણા જવાના છે અને ત્યાંથી પોતાની ૬૦૦૦ કિ.મી.ની સાયકલયાત્રા સંપન્ન કર્યા બાદ ૩ મહિનાનો તેમનો સમય પૂરો થશે એટલે યુ.કે.ની વાટ પકડશે.

વર્ષ ૨૦૧૪-૧૫માં પણ તેઓ ભારત આવ્યા હતા અને ૨૫૦૦થી ૩૦૦૦ કિલોમીટરની સાયકલયાત્રા કરી હતી. માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વનાં અનેક દેશોમાં તેમણે સાયકલયાત્રા કરી છે. યુરોપનાં મોટાભાગના દેશો તેમજ નોર્થ અમેરિકા અને ન્યૂ ઝીલેન્ડમાં પણ તેઓ સાયકલયાત્રા કરી ચૂકયા છે તથા બાળપણથી જ તેમને સાયકલ ચલાવવાનો શોખ હોવાથી તે સાયકલ ચલાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter