વાંકાનેરઃ હિન્દી ફિલ્મોના શૂટીંગ માટે નિર્માતા-દિગ્દર્શકો સૌરાષ્ટ્રના શહેરોના લોકેશનની પસંદગી કરી રહ્યા છે. ગોંડલના પેલેસમાં થોડા સમય અગાઉ રાજશ્રી પ્રોડક્શનની સલમાનખાન અભિનિત ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મનું થયું હતું. જ્યારે હવે મસ્તી સિરીઝની ત્રીજી ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ના શૂટીંગ માટે વાંકાનેરના રણજિત વિલાસ પેલેસની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મના કલાકાર વિવેક ઓબેરોય, રીતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાનીનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું, જેને નિહાળવા ચાહકો ઉમટી પડ્યા હતા.
વિવેક ઓબેરોય શૂટિંગમાંથી પરવારીને વાંકાનેરના પ્રસિદ્ધ ગાયત્રી મંદિરે દર્શન કરવા ગયો હતો અને મંદિરના પટાંગણમાં તેણે પુષ્કળ સેલ્ફી લઈને ફ્રેન્ડસને ફોર્વર્ડ કર્યા હતા. આ મંદિર વાંકાનેરના ગાયત્રી ડુંગર પર આવેલું છે. ત્યાં પહોંચવા ૧૦૦૫ પગથિયાં ચડવા પડે છે. વિવેક આ પગથિયાં માત્ર ૧૪ મિનિટમાં ચડી ગયો હતો. વિવેકે મંદિર જતાં પહેલાં સાથી કલાકારોને આવવા માટે પૂછ્યું હતું પણ કોઈએ જવાની તૈયારી દેખાડી નહીં એટલે તે એકલો નીકળી ગયો હતો. પેલેસ પર પાછા આવતા વિવેક રસ્તામાં ભરવાડ બનાવે એ દેશી ચા પણ પીધી હતી. ચા પીધા પછી વિવેકે એ ચાને ટી ફ્લેવર્ડ બાસુંદીનું નામ આપી એના ફોટોગ્રાફ્સ પણ ફ્રેન્ડસને વોટ્સએપ પર મોકલ્યા હતા.