રાજકોટઃ વીરનગરના શિવાનંદ મિશન હોસ્પિટલના પરિસરમાં પૂ. મોરારિબાપુના હસ્તે ૨૬ એપ્રિલે સવિતા-શાંતિ નેત્રાલયનું ઉદ્ઘાટન થયું હતું. સ્વ. વીરચંદ પાનાચંદ શાહ તથા શિવાનંદ અધ્વર્યુ-બાપુજીની આ કર્મભૂમિ હોવાનું જણાવી મોરારિબાપુએ તેમની સ્મૃતિવંદના કરી હતી. સંસ્થાના પ્રમુખ ધીરૂભાઈ મહેતા અને નંદીનીબેન મહેતાએ મોરારિબાપુનું અભિવાદન કર્યું હતું. ધીરુભાઇ કહ્યું હતું કે, આજ સુધી ૪૦ લાખ લોકોની આંખોની તપાસ અને સારવાર થઈ છે. ૮ લાખથી વધુ આંખોના ઓપરેશનો થયા છે. આ હોસ્પિટલના વિકાસનો શ્રેય ડો. વર્મા, પ્રાણભાઈ મહેતા તથા સ્ટાફને જાય છે. ધીરૂભાઈએ ઉમેર્યું કે, ‘મને એકવાર મારી માતા સવિતાબેને કહ્યું હતું કે, તમે નવ ભાઈઓ છો, સુખી અને સમૃદ્ધ છો, તો સમાજ માટે કાંઈક કરો, આથી તેમનું સપનું પૂરૂં કરવા આ સવિતા શાંતિ નેત્રાલય બનાવ્યું છે. રૂ. ૧ કરોડ ૮૧ લાખના ખર્ચે આ આધુનિક બિલ્ડીંગ તૈયાર થયું છે. અહીં ૩૦૦ બેડની હોસ્પિટલ ઓછી પડતાં ૧૦૦ બેડની આ નવી હોસ્પિટલ બનાવી છે.’