રાજકોટઃ જનાના હોસ્પિટલમાં ૨૨મી એપ્રિલે મગજથી જોડાયેલાં બે બાળકોનો જન્મ થયો હતો. આ બાળકોનાં બે શરીર હતાં. બે હૃદય હતાં. હાથ-પગ-કાન ચાર-ચાર હતા, પણ આંખો બે જ હતી. મેડિકલ ટર્મિનોલોજીમાં આવાં બાળકોને સિયામીઝ ચિલ્ડ્રન કહેવાય છે. આવાં સિયામીઝ ચિલ્ડ્રન સામાન્ય રીતે એકથી સવા લાખ કિસ્સામાં એક જોવા મળે છે. સામાન્ય રીતે એમનું આયુષ્ય ચારથી આઠ કલાકનું જ હોય છે. રાજકોટમાં જન્મેલાં આ બાળકો ચારેક કલાક જેટલું માંડ જીવ્યાં હતાં. બાળકોનાં મૃત્યુ બાદ તેના માતા-પિતાએ બન્ને બાળકોની અંતિમવિધિ કરવાને બદલે તેમનું શરીર તબીબી અભ્યાસ માટે રાજકોટની મેડિકલ કોલેજને આપી દીધું હતું.
આ ઓપરેશન કરનારા તબીબ ડો. કીર્તન વ્યાસે કહ્યું હતું કે, ‘આમ તો આ પ્રકારનાં કેસમાં દંપતી બાળકોનો દેહ મેડિકલ રિસર્ચ માટે આપવા તૈયાર થતાં નથી, પણ આ દંપતીએ ભવિષ્યમાં આ પ્રકારના કેસ બને તો બાળકોને કઈ રીતે બચાવવા એ માટેના રિસર્ચ માટે બાળકોનાં મૃતદેહ મેડિકલ કોલેજને આપીને ભાવિમાં બનનારા આવા કેસિસ માટે ખૂબ જ મદદ કરી છે. મહત્ત્વની વાત એ પણ છે કે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે બાળકોનાં દેહનું દાન કરનારું આ દંપતી ગરીબ અને ઝાઝું ભણેલું પણ નહોતું, છતાં તેમને સમજાવતાં તેઓ માની ગયાં અને બાળકોનાં દેહ મેડિકલ કોલેજને સોંપી દીધાં.’