વેરાવળઃ ગુજરાતના કચ્છની દરિયાઈ જળસીમામાંથી દસ જેટલા આંતકીઓ ઘૂસ્યા હોવાના એલર્ટથી શિવરાત્રિએ સોમનાથ મહાદેવ મંદિરે કડક સુરક્ષા બંદોબસ્ત હતો. આતંકના ભયથી કેટલાક કાર્યક્રમ રદ થયા હતા અને ભાવિકોની ભીડને ત્રણ જગાએ તપાસ પછી મંદિરમાં પ્રવેશ અપાયો હતો.
શિવરાત્રિએ મંદિર વહેલી સવારે ચાર કલાકે ખુલ્યું હતું અને ૪૨ કલાક ખુલ્લુ હતું. ટીવી ધારાવારિક ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના જેઠાલાલ (દિલીપ જોશી)એ સજોડે મહાદેવના દર્શન કર્યાં હતા અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પી. કે. લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે મંદિરે નૂતન ધ્વજારોહણ થયું હતું.
આ ઉપરાંત રાજ્ય પ્રધાન જશાભાઈ બારડ, સાંસદ મનસુખભાઈ માંડવીયા, ચુનીભાઈ ગોહિલ, સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર સહિતના મહાનુભાવોએ ભોળાનાથના આશીર્વાદ લીધા હતા.
રુદ્રાક્ષનું ૨૫ ફૂટ ઊંચું શિવલિંગ
સોમનાથ પરિસરમાં પ્રથમ વખત સવા બે લાખ પંચમુખી રુદ્રાક્ષથી ૨૫ ફૂટ ઊંચું અને ૧૨ ફૂટ પહોળું શિવલિંગ તૈયાર કરાયું હતું.
મહિલાઓ રણચંડી બનેઃ કેશુભાઈ
શિવરાત્રિએ સોમનાથના દર્શને આવેલા રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે કડવા પાટીદાર સમાજ દ્વારા નિર્માણ થનારા અતિથિ ગૃહના શિલાન્યાસ સમારોહમાં કહ્યું હતું કે, ચૂંટણીઓ ભાગલાઓ પાડે છે, પણ સમાજ એક થઈ રહ્યો છે અને એકલા છોકરા હાર્દિક પટેલે (પાસના કન્વીનર) સમાજને એક કર્યો છે. હવે મહિલાઓએ રણચંડી બનવું પડશે અને સમાજને સાચી દિશામાં લઈ જવો પડશે. જોકે હાર્દિક ક્યારે છૂટશે તે બાબતે કેશુભાઈએ મૌન સેવ્યું હતું. હીરણ નદીના કાંઠે શીતળા માતાજી મંદિરના રસ્તે આશરે ત્રણ વિઘા જમીનમાં રૂ. દસ કરોડના ખર્ચે કડવા પાટીદાર સમાજ અતિથિગૃહના નિર્માણનો શિલાન્યાસ સમારોહ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ ડો. ડાહ્યાભાઈ પટેલ, ઘોડાસરા, મૌલેશભાઈ ઉકાણી સહિતના આગેવાનોની હાજરીમાં યોજાયો હતો.