સલાયાનું ‘નૂરે ગરીબી’ નામનું માલવાહક વહાણે ગત સપ્તાહે ઓમાનના સમુદ્રમાં પાણી ભરવાના કારણે ડૂબી ગયું હતું. જોકે, આ વહાણ ડૂબી રહ્યું હતું ત્યારે જ માંગરોળનું ‘અલમદીના’ વહાણ ત્યાંથી પસાર થતા તમામ ૧૩ ખલાસીઓને બચાવી લેવાયા હતા. સલાયાના મામદ હાજી કાસમ ભાયાની માલીકીનું આ વહાણ ૫૦૦ ટનનું હતું. ૧૩ મેના શારજહાંથી બોસાસો જવા નીકળ્યું હતું, જેમાં જીવનજરૂરી વસ્તુઓ ભરી હતી. તમામ ખલાસીઓ સાથેનું વહાણ ૨૯ મે સુધીમાં ભારત આવશે. સલાયાના વહાણે જળસમાધિ લેતા વહાણવટી સમાજમાં દુઃખની લાગણી વ્યાપી હતી.
દર રવિવારે રાજકોટ દર્શન માટે વિશેષ બસઃ રાજકોટમાં પ્રવાસન ક્ષેત્રે એક મહત્ત્વનું પગલું મ્યુનિસિપલ તંત્ર દ્વારા લેવાયું છે. ૨૪ મેથી દર રવિવારે શહેરમાં રાજકોટ દર્શનની બસ શરૂ થઇ છે. ખાસ કરીને બહારગામથી આવતા પ્રવાસીઓ શહેરના જોવા લાયક સ્થળો નજીવા દરે જોઈ શકે તે માટે આ સેવા અગાઉ એકવાર મળેલી નિષ્ફળતા બાદ મ્યુનિ. તંત્ર દ્વારા પુનઃ શરૂ કરાઈ છે. આ બસ ત્રિકોણબાગથી સવારે ૯ વાગ્યાથી સાંજે ૬.૧૫ કલાક સુધી દર અડધા કલાકે મળશે. રૂટની શરૂઆત ત્રિકોણબાગથી રામકૃષ્ણ આશ્રમ, રોટરી મીડટાઉન બેબી ડોલ મ્યુઝિયમ, સ્વામીનારાયણ મંદિર-કાલાવડ રોડ, ઇશ્વરિયા પાર્ક, જ્યુબેલી વોટસન મ્યુઝિયમ, રેસકોર્સ-તારામંડળ, આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક, રામનાથ પરા-મુક્તિધામ થઈ ત્રિકોણબાગ ખાતે પૂર્ણ થશે. શહેર દર્શન કરવા ઇચ્છતા લોકોને ઉપરોક્ત પૈકી દરેક રૂટ પર બસ ઉતારી જશે અને ત્યાર બાદ દર અડધા કલાકે જે સ્થળે લોકો ઉતર્યા છે ત્યાંથી બીજા સ્થળે જવા માટે બસ મળી રહેશે.
અનાથ બાળાઓના ગરબામાં થયો પૈસાનો વરસાદઃ ગોંડલના બાઈ સાહેબા નિરાશ્રિત ગૃહમાં આશરો લેતી પાંચ અનાથ બાળાઓએ ૨૪ મેએ લગ્નગ્રંથિથી જોડાઈને સંસારની નવી કેડી પર પગલાં માંડ્યા છે. પ્રસંગે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બાળાઓના માવતર બનેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને શરણાઈના સૂર અને ઢબૂકતા ઢોલના તાલે આ પાંચ બાળાઓના સામૈયા થયા હતા. સાથોસાથ લગ્નપૂર્વે ક્ષત્રિય પરંપરા મુજબ લાડકાલાડુની વિધિ તેમ જ રાસ ગરબા યોજાયા ત્યારે આ બાળાઓની આંખો ભિંજાઈ હતી. આ વિધિ પ્રસંગે હરદેવસિંહ જાડેજા, ખીરસરા પેલેસવાળા દિલીપસિંહ રાણા, ઉદ્યોગપતિ ભરતભાઈ વાળા વગેરેની ઉપસ્થિતિમાં રાસ ગરબા યોજાયા હતા. જેમાં અંદાજે રૂ. ૩ લાખની ઘોર ઉડી હતી. આ રકમ તમામ દીકરીઓના નામે સરખેભાગે ફિક્સ ડિપોઝીટ કરાશે તેમ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
અમેરિકામાં વિઠ્ઠલ રાદડિયા પર સફળ સર્જરીઃ પોરબંદરના સાંસદ અને સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ રાદડિયા પર અમેરિકામાં તબીબો દ્વારા સફળ ઓપરેશન થયું હોવાનું સૂત્રો જણાવે છે. રાદડિયાને છ દિવસ સુધી આઈસીયુમાં રખાશે અને બોલવાની મનાઈ કરવામાં આવેલ છે. રાદડિયાના પત્ની ચેતનાબહેનને અમેરિકાના વિઝા મળી ગયેલ છે. જ્યારે તેમના રાજ્યકક્ષાના પ્રધાન પુત્ર જયેશભાઈ રાદડિયાની વિઝા અરજી ટેકનિકલ કારણોસર અમેરિકા દૂતાવાસે રદ કરી છે.
સફેદ વાઘણે ૪ સફેદ બચ્ચાંને જન્મ આપ્યોઃ રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ‘ઝૂ’માં કિલકારીઓ ફરીથી ગૂંજી રહી છે. તાજેતરમાં ‘યશોધરા’નામની સફેદ વાઘણે બે સફેદ વાઘ બાળને જન્મ આપ્યા બાદ ગત સપ્તાહે ‘ગાયત્રી’ નામની સફેદ વાઘણે ચાર સફેદ વાઘ બાળને જન્મ આપ્યો છે. ચારેય બચ્ચા અને તેની માતા સ્વસ્થ છે. એક સાથે ચાર-ચાર વાઘ બાળનાં જન્મની ઘટના ‘રેર’ ગણાય છે. સામાન્ય રીતે બે અથવા ત્રણ બચ્ચાનો જન્મ થતો હોય છે. જન્મેલા ચારેય વાઘ બાળ નર છે કે માદા એ ૧૫થી ૨૦ દિવસ બાદ બચ્ચાઓની આંખો જયારે ખૂલે ત્યારે જાણી શકાશે. અત્યારે તો ‘ઝૂ’ના કર્મચારીઓ આ ચારેય બચ્ચા અને તેની માતાની સેવામાં લાગી ગયા છે.