રાજકોટઃ સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં થયેલા સારા અને સમયસર વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. આથી હવે વરાપ નીકળતા ખરીફ પાકોના વાવેતર શરૂ થશે. આ વર્ષે ફરી મગફળીના પાકનો દબદબો રહેવાની ઊજળી સંભાવના છે. કપાસની વાવણીમાં સાધારણ ઘટાડાની સંભાવના છે. ખેડૂતો મગફળી અને કપાસ સિવાયના પાકો તરફ પણ નજર કરીને વાવણીમાં વૈવિધ્ય લાવે તો અપૂરતા ભાવ મળવાનો પ્રશ્ન આપોઆપ ઉકેલાશે. જૂન માસનો વરસાદ મગફળીના પાક માટે આશીર્વાદ સમાન ગણાય છે. રાજકોટની જીજીએન રિસર્ચના પાર્ટનર ગોવિંદભાઈ પટેલ કહે છે, મગફળીનો વાવેતર વિસ્તાર ચોક્કસપણે વધશે. ગયા વર્ષમાં ૧૨.૨૫ લાખ હેક્ટર વિસ્તાર ગુજરાતમાં મગફળીના પાક હેઠળ હતો. એ આ વખતે ૧૫-૧૬ લાખ હેક્ટર સુધી સહેલાઈથી પહોંચી શકે છે. કપાસનો ઘણોખરો વિસ્તાર મગફળીને મળશે.
તેમણે ઉમેર્યું કે પાકની ફેરબદલી માટે કપાસનાં ઓછા ભાવ મહત્ત્વનું કારણ છે. જોકે મગફળી વાવવા માટે ખેડૂતો પ્રેરાયા છે એ માટે સમયસર વરસાદ પણ અગત્યનો ભાવ ભજવશે. ઉનાળુ મગફળીના સરેરાશ ભાવ મણે રૂ. ૧૦૦૦ કે તેથી વધુ મળવાથી પણ ખેડૂતોને આકર્ષણ જાગ્યું છે.
મગફળીનું વાવેતર ૨૩ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ૩.૭૦ લાખ હેક્ટરમાં થયું છે. ગયા વર્ષના ૩.૩૨ હેક્ટર કરતાં તે વધી ચૂક્યું છે એમ રાજ્યના કૃષિ ખાતાએ જણાવ્યું છે. કપાસની વાવણી આરંભે ઉત્સાહજનક છે. અત્યાર સુધીમાં ૭.૬૨ લાખ હેક્ટરમાં વાવણી છે. એ પણ ગયા વર્ષના ૫.૩૫ લાખ હેક્ટર કરતા વધારે છે.
જામનગરના પૂર્વ મેયરનો રાજકીય સન્યાસઃ જામનગરના પૂર્વ મેયર અને વોર્ડ નં. પાંચના વર્તમાન કોર્પોરેટર કનકસિંહ જાડેજાએ બુધવારે રાજકીય સન્યાસ જાહેર કર્યો છે. જેનાથી રાજકીય ચણભણાટ જાગ્યો છે. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિરના (કનકસિંહ જાડેજા તેના ટ્રસ્ટી છે) ઉપક્રમે યોજાયેલી ભાગવત સપ્તાહના પૂર્ણાહૂતિ પ્રસંગે ઉપસ્થિત લોકો સમક્ષ તેણે પોતાનો આ નિર્ણય જાહેર કર્યો હતો. ૨૫ વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન સહયોગી સૌનો આભાર વ્યક્ત કરી તેમણે ઉમેર્યું હતું કે, ‘હું આગામી ચૂંટણી લડવાનો નથી. અન્ય કોઈ સારા ઉમેદવારને ચૂંટીને સહયોગ આપજો.’ અચાનક આવા નિર્ણય પાછળનું કારણ શું? તેવા પ્રશ્નના જવાબમાં કનકસિંહે જણાવ્યું હતું કે, ‘હું મતદારોનો દ્રોહ કરી શકું તેમ નથી.’ તેમણે મતદારોની અપેક્ષાઓને ન્યાય અપાવવાનો માહોલ કે શક્યતા નહીં જણાતી હોવાનું પણ ઉમેર્યું હતું.