અમરેલીઃ એક સિંહ પ્રેમી યુવા તબીબે અનોખી સફર ખેડી છે. મૂળ અમરેલી જિલ્લાના અને અત્યારે અમેરિકાના ફિલાડેલ્ફીયામાં ડેન્ટીસ્ટ તરીકે કાર્યરત ડો. નિરંજન સવાણી સિંહ ગણતરીમાં મદદનીશ તરીકે કામ કરવા માટે ખાસ અમેરિકાથી આવ્યા છે. સિંહ ગણતરીમાં ભાગ લેનારા તેઓ એકમાત્ર વિદેશવાસી ગુજરાતી છે. ડો. નિરંજન સવાણી સાવરકુંડલા તાલુકાના ભમોદ્રા ગામના વતની છે અને વતનમા સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તેમનો પરિવાર અમેરિકામા વસે છે. ડો.નિરંજન સવાણીએ ફેબ્રુઆરીમાં ભમોદ્રામાં ભવ્ય દંતયજ્ઞનું આયોજન કર્યું હતું. ત્યારે તેમણે મે માસમાં યોજાનારી સિંહ ગણતરીમાં જોડાવાની ઇચ્છા વ્યકત કરીને વનતંત્રને અરજી પણ કરી હતી. ડો. સવાણીની ઇચ્છા અમેરિકામાં રહીને અહીંના સિંહ માટે કંઇક કાર્ય કરવાની છે.
સંસદીય સચિવની પુત્રવધૂએ આત્મહત્યા કરીઃ ચોટીલા વિસ્તારના ધારાસભ્ય અને સંસદીય સચિવ શામજીભાઇ ચૌહાણનાં પુત્રવધૂની ફાંસો ખાધેલી લાશ તેમના રાજકોટ ખાતેના ઘરમાંથી મળી હતી. રાજકોટના કાલાવડ રોડ પરના શ્રીરામ પાર્કમાં રહેતા ગીતાબેન વિશ્વજીત ચૌહાણે (ઉ.વ.૨૧) ૨ મેએ પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો હતો.
ભૂકંપગ્રસ્તો માટે પૂ. ભાઇશ્રી દ્વારા રૂ. ૫૧ લાખની સહાયઃ ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા નેપાળના ભૂકંપગ્રસ્તો માટે રૂ. ૫૧ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. રમેશભાઈ ઓઝાની ઈચ્છા નહોતી કે આ સહાય અંગે ક્યાંય વાત બહાર આવે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં ભાઈશ્રી દ્વારા કરવામાં આવેલી સહાયના સમાચાર બહાર આવ્યા હતા. પછી સાંદીપનિ પરિવાર પોરબંદર દ્વારા આ રકમ જાહેર થઈ છે.
અમરેલીમાં સિટી બસસેવા શરૂ: અમરેલી શહેરવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે સિટી બસસેવા અંતે શરૂ થઇ છે. ૧લી મેએ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસે બે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બે દાયકા પહેલા શહેરમાં સિટી બસ સેવા ચાલતી હતી, પરંતુ તે બંધ થતા લોકોને ખાનગી રિક્ષા અને છકડામાં મુસાફરી કરવી પડતી હતી હવે આ બન્ને બસો શરૂ થતા ફરી એકવાર શહેરીજનોને સિટી બસસેવાનો લાભ મળતો થયો છે. રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાની ધરતી અમરેલીમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ બંને બસો જુદાજુદા નવ રૂટ પર ૧૮ ટ્રીપ લગાવશે.