‘સમય’ સાપ્તાહિકનાં આદ્યસ્થાપક સ્વ. ભાનુભાઈ શુકલના પુત્ર રાહુલભાઈ શુકલ તથા વિશ્વ ગુજરાતી સમાજ-અમેરિકાના અગ્રણી અરવિંદભાઈ જોશીનું ઝાલાવાડની ૪૦ જેટલી સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થાઓએ સન્માન કર્યું હતું. એન.આર.આઈ. વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે વિશિષ્ટ સામાજિક યોગદાન આપતાં વિદેશવાસી ભારતીયોને ‘મહાત્મા ગાંધી પ્રવાસી સન્માન’ નામનો એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં આ એવોર્ડ અરવિદંભાઈ જોશીને તથા ૨૦૧૪માં આ એવોર્ડ રાહુલભાઈ શુક્લને યુકેમાં મળ્યો હતો.
રાહુલ શુકલએ પ્રતિભાવમાં કહ્યું કે, ‘મને ઇંગ્લેન્ડનાં હાઉસ ઓફ લોર્ડસમાં આ સન્માન મળ્યું ત્યારે જે આનંદ થયો હતો એથી વધુ આનંદ આજે થાય છે. કારણ કે મને મારા હમવતનીઓની હુંફ મારા વતનમાં મળી રહી છે.’ અરવિંદભાઈએ કહ્યું કે, હું વિશ્વ ગુજરાતી સમાજનાં આગેવાન તરીકે છેલ્લા ૫૦ વર્ષથી અમેરિકામાં ગુજરાતી સાહિત્ય, કલા અને સંસ્કૃતિ માટે સેવા કરું રહ્યો છું. કોઈ ઝાલાવાડીને મારી જરૂર પડે તો હું ૮૦ વર્ષે પણ સદા તત્પર છું.’