ગોંડલઃ અવધ ઇન્ડસ્ટ્રીઝ – બિલિયાળામાં સમસ્ત પાટીદાર સમાજ સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ દશાબ્દિ મહોત્સવમાં સૌરાષ્ટ્રની ૧૧૯૨ દીકરીઓને કુલ રૂ. બે લાખનાં બોન્ડ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે જણાવ્યું કે, એક સમયે સમાજમાં કુરિવાજો અને અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી. અનેક માતાઓને પતિ પાછળ સતી થવું પડતું. જન્મની સાથે દીકરીને દૂધ પીતી કરી દેવાતી. રાજા રામમોહનરાય જેવા સમાજ સુધારકો મેદાનમાં આવ્યા અને કુરીવાજો દૂર થતા ગયા. તે પછી ટેકનોલોજી આવી. પણ સોનોગ્રાફી જેવા સાધનોનો ભ્રૂણ હત્યામાં ગેરઉપયોગ થવા લાગ્યો. તબીબનું કાર્ય જીવ લેવાનું નથી. જીવ આપવાનું છે.
તેમણે ટકોર કરી હતી કે, અશિક્ષિત અને આદિવાસી વિસ્તારોમાં દીકરીઓનું પ્રમાણ વધુ છે. જ્યારે શિક્ષિત વર્ગમાં દીકરાની ઘેલછાએ દીકરીઓનું પ્રમાણ ઓછું છે. ગત સર્વેમાં એક હજાર દીકરા સામે આઠસોને બે દીકરીઓ હતી અને હાલમાં રાજ્યમાં સંસ્થાઓ અને રાજ્ય સરકારની બેટી બચાઓ ઝુંબેશથી આજે દીકરીઓનું પ્રમાણ નવસોને બે થયું છે. મુખ્ય પ્રધાને સુરત પાટીદાર સમાજ અને સુકન્યા બોન્ડનાં મુખ્યદાતા લવજીભાઇ બાદશાહને આ પ્રસંગે બિરદાવ્યા હતા અને લવજીભાઇ બાદશાહ, તેમના પિતા ડુંગરભાઇ ડાલીયા અને માતુશ્રી કંકુબેન ડાલીયા સહિતનાં પરિવારનું સન્માન કરાયું હતું.