વેરાવળઃ વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરમાં ભક્તોએ અર્પણ કરેલું સોનું હવે ટ્રસ્ટ દ્વારા કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કિમમાં મૂકવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ જેના અધ્યક્ષ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અગ્રણી લાલકૃષ્ણ અડવાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જેમાં ટ્રસ્ટીઓ છે તેવા આ ટ્રસ્ટની તાજેતરમાં ૧૨ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં મળેલી બેઠકમાં આવો નિર્ણય લેવાયો હતો. સંભવત: દેશનું આ પ્રથમ જ્યોતિર્લિંગ હશે જેના ટ્રસ્ટ દ્વારા ભક્તોએ અર્પણ કરેલું અને ટ્રસ્ટની તિજોરીમાં રહેલું સોનું હવે કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કિમમાં મૂકવામાં આવશે. બીજી તરફ દ્વારકાધીશ મંદિરના વહીવટદારોએ હજી આ બાબતમાં કોઇ નિર્ણય કર્યો નથી, તો ઉત્તર ગુજરાતના અંબાજી મંદિરે આવું રોકાણ કરવાનો ઈનકાર કર્યો છે. ટ્રસ્ટના સેક્રેટરી પી. કે. લહેરીના જણાવ્યા મુજબ આ એવું સોનું છે જે રોજિંદા ઉપયોગમાં નથી આવતું. અહીં ભગવાનના જે શણગાર થાય છે તે માટેનું સોનું જૂદું છે. આ સોનું દાગીના સહિતના સ્વરૂપમાં છે.