પ્રભાસપાટણઃ અરબી સમુદ્રના કિનારે સોમનાથ મહાદેવ મંદિરના ૬૪મા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ગત સપ્તાહે ભવ્ય ઉજવણી થઇ હતી. આ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજાની સાથે મંદિરને દીવડાથી ઝળહળિત કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી નવા મંદિરના સ્થાપના કાળની માહિતી આપતા જણાવ્યું હતું કે, વિક્રમ સંવત-૨૦૦૭ વૈશાખ માસ શુકલ પંચમીએ ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે થઇ હતી. તે સાથે સરદાર વલ્લભભાઇ પટેલનું સોમનાથ મંદિરના નવનિર્માણનું સ્વપ્ન સાકાર થયું હતું. પ્રાણપ્રતિષ્ઠા મંદિરના ગર્ભગૃહમાં પ્રથમ તબક્કાનું નિર્માણ થયા પછી મંદિરનું નિર્માણ કાર્ય ચાલું રહ્યું હતું અને મંદિરના સ્થપતિ પ્રભાશંકર સોમપુરાએ બનાવેલા નકશા મુજબ મહામેરૂ પ્રસાદ શૈલીનું મંદિર તેમના શિખર અને સભામંડપ સાથે ૧૯૬૫માં પૂર્ણ થતા સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને નવાનગર જામનગરના મહારાજ દિગ્વિજયસિંહના હસ્તે મંદિર ઉપર સુવર્ણ કળશનું આરોપણ થયું હતું.
આ જયોતિર્લિંગની સ્થાપનામાં ૧૦૮ તીર્થોનું જળ અને સાત સમુદ્રના જળથી મહાઅભિષેક કરાયો હતો અને જય સોમનાથના જયઘોષ સાથે ૧૦૧ તોપોની સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત સેંકડો ટ્રકોમાં ગામડે ગામડે લાડુનો પ્રસાદ વહેંચાયો હતો. ભગવાન સોમનાથ મંદિરના નવનિર્માણની સાથે ડો. રાજેન્દ્ર પ્રસાદે રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો કે, ‘વિનાશકારી શક્તિ કરતાં સર્જનશક્તિ મહાન છે.’