વેરાવળઃ ભારતવર્ષના પ્રથમ જ્યાર્તિલિંગ એવા સોમનાથ મહાદેવનો સુવર્ણ યુગ શરૂ થયો છે. મંદિરના ગર્ભગૃહને સુવર્ણ મઢવા મુંબઈનાં હીરાના વેપારી લખી પરિવારે વધુ રૂ. ૧૦.૮૧ કરોડનું ૪૦.૨૭ કિલો સોનું દાન કર્યું છે. અધિક માસ નિમિત્તે આ દાન આપવામાં આવ્યું છે. અગાઉ આ પરિવારે ૫૧ કિલો સોનું સોમનાથ મંદિરને અર્પણ કર્યું હતું. સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા વિસનદાસ હોલારામ લખી પરિવારના દિલીપભાઈ લખીએ અત્યાર સુધી કુલ ૯૧ કિલોથી વધુ સોનાનું આ મંદિરમાં દાન કર્યું છે. દિલીપભાઇના સંકલ્પ મુજબ બે તબક્કામાં સોમનાથ મંદિરને ૫૧ કિલો સુવર્ણ દાન કર્યું હતું. આ સુવર્ણ દાનથી મંદિરના ગર્ભગૃહ, શિખર પરના ત્રિશુલ અને ડમરૂ સહિતની મહાદેવની વસ્તુઓને સુવર્ણથી મઢવામાં આવી છે. આ નિમિત્તે દિલીપભાઈએ જણાવેલ કે, તેમણે અનેક મંદિરોમાં સુવર્ણ દાન કર્યું છે તેમને સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ, સેક્રેટરી પી.કે. લહેરી અને સ્થાનિક અધિકારીઓનો સુંદર સહયોગ મળ્યો છે. સોમનાથ મંદિરને વધુમાં મળેલા ૪૦.૨૭ કિલો સુવર્ણથી મંદિરના ગર્ભગૃહની અંદરના ઘુમ્મટ સાથે ગર્ભગૃહના દરવાજા અને તેની ફ્રેમ સાથે ગર્ભગૃહનો બાકી રહેતા ભાગોને મઢવામાં આવશે તેમ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું.