વેરાવળઃ વિશ્વ વિખ્યાત દ્વાદશ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને મુંબઈનાં હીરાનાં વેપારી દિલીપભાઈ લાખી પરિવાર દ્વારા વધુ ૩૫ કિલો સોનું અર્પણ થયું છે, જેને લેવા માટે સુરક્ષા જવાનો ત્રીજી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થયા હતા.
સોમનાથ મહાદેવને અગાઉ લાખી પરિવારે ૬૫ કિલો સોનું અર્પણ કરીને ગર્ભગૃહની દિવાલો સુવર્ણથી મઢી આપી હતી. આ ઉપરાંત શિવજીનું ડમરું, ત્રિશૂલ અને પાટને સુવર્ણજડિત કર્યાં હતાં. હવે તેમણે વધુ રૂ. ૭.૭૦ કરોડનું ૩૫ કિલો સોનું શિવાર્પણ કરીને ૧૦૦ કિલો સુવર્ણ દાનનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.
૩૫ કિલો સુવર્ણમાંથી સોમનાથ મંદિરનાં ગર્ભગૃહનાં પ્રવેશદ્વારને સોનાથી મઢવામાં આવશે. આ ઉપરાંત શિવજી, પાર્વતી, ગણપતિ, કાર્તિકેય ભગવાન માટે સોનાનાં મુગટ બનાવાયા છે.
એટલું જ નહીં, ગર્ભગૃહમાં હજુ સુવર્ણથી મઢવાની બાકી દિવાલોને પણ આવરી લેવાશે. અગાઉ આ તમામના માપ-સાઈઝ લઈ જવાયા હતા અને એ પ્રમાણે જ ૩૫ કિલો સોનામાંથી નિર્માણ થયેલી સામગ્રી મંગળવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવી.