સોમનાથ મંદિરના પરિસરમાં રોજ સાંજની આરતી બાદ યોજાતા લાઇટ એન્ડ સાઉન્ટ શોમાં હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાશે. બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે દરરોજ સાંજે સાત વાગ્યાની આરતી બાદ છેલ્લા પંદર વર્ષથી એટલે કે ૨૦૦૧થી સોમનાથના ઇતિહાસને વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે. આ શોને આધુનિક ટેકનોલોજીના સહારે નવા રંગરૂપ સાથે આગામી દિવસોમાં રજૂ કરવા પ્રવાસન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ તૈયારી કરી રહ્યું છે. આ શોમાં વોઇસ ઓવર માટે અમિતાભ બચ્ચનનો સંપર્ક કરાયો હતો અને તેઓ પોતાનો અવાજ આપવા રાજી થયા છે. અંદાજે ૫૫ મિનિટના આ શોમાં અગાઉ અમરીશ પુરી, પરેશ રાવલ, દર્શન ઝરીવાલા અને કબીર બેદીના સ્વર છે.
• મહેશ રાજ્યગુરુને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુને કોંગ્રેસ પક્ષમાંથી ૬ વર્ષ માટે ૧૯મીએ સસ્પેન્ડ કર્યાં હતા. રાજ્યગુરુ ૧૭મીએ મોરબીના પાડા પુલ નીચે અન્ડરબ્રિજમાં દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતા મોરબી ડી વાય એસ પી રાજદીપસિંહ ઝાલાની ઝપટે ચડી ગયા હતા. તેના પર પીધેલી હાલતમાં કાર ચલાવવાનો મોરબી બી-ડિવિઝનમાં ગુનો નોંધાયો હોવાથી આ પગલું ભરાયું હોવાનું ચર્ચાય છે.
• પીપળિયા બે દિવસ બંધ રહ્યુંઃ પીપળિયાના સરપંચ રમેશભાઈ મકાતી પાસે ૨૦મી ફેબ્રુઆરીએ દાખલો કઢાવવા આવેલી મહિલાને જૂનો વેરો બાકી હોવાથી સરપંચે મનાઈ કરતાં મહિલાના સંબંધી જિતેશ નથુભાઈ ચૌહાણે ઉશ્કેરાઈને સરપંચ પર છરીથી હુમલો કર્યો હતો. સરપંચને સારવાર માટે જૂનાગઢ દવાખાને ખસેડાયા હતા. રમેશભાઈએ જિતેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો સામે જિતેશે સરપંચ સહિત ત્રણ શખસો સામે જ્ઞાતિ બાબત અપમાનિત નિવેદન કરવાના આરોપસર એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. પાટણવાવ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે ત્યારે ગામ સરપંચની સાથે છે અને બે દિવસથી બંધ પાળી રહ્યું છે.
• પોરબંદરની ‘કુબેર’ બોટના માલિકને પાક. કોર્ટનું તેડુંઃ મુંબઈ આતંકી હુમલાની સુનાવણી કરી રહેલી પાકિસ્તાનની એન્ટી ટેરેરિઝમ સ્કવોર્ડે ભારતીય ૨૪ સાક્ષીઓને રજૂ કરવા સાથે પોરબંદરની ‘કુબેર’ બોટને પણ હાજર કરવા કહ્યું છે. કુબેર બોટના માલિક હીરાલાલ મસાણીનો સંપર્ક કરતાં તેઓ હજુ આ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. હજુ સુધી સરકારના કોઈ અધિકૃત વિભાગ દ્વારા કોઈ પણ સૂચના અપાઈ નથી તેમ પણ તેઓએ જણાવ્યું હતું. ‘કુબેર’ના આતંકી અજમલ કસાબ સહિતના ૯ આતંકીઓ ૨૬મી નવેમ્બર, ૨૦૦૮માં પાકિસ્તાનથી મુંબઈ આવ્યા હતા. ૨૦૦૯થી ચાલી રહેલી આ સુનાવણીમાં કુલ ૭ આરોપી સામે ગુના નોંધાયા છે અને મુંબઈ - ઈસ્લામાબાદમાં એટીએસ દ્વારા ૧૯મી ફેબ્રુઆરીએ આ કેસની સુનાવણી પુનઃ શરૂ થઈ છે.