સૌરાષ્ટ્રના વીજળીથી વંચિત વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ

Wednesday 22nd July 2015 09:06 EDT
 
 

રાજકોટઃ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીજળીથી વંચિત અને છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધા માટે સોલાર હોમ લાઈટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ માટે રૂ. ૫૦ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને અત્યારે ૭૦૦ અરજીઓ વીજતંત્રને મળી ચૂકી છે. આ પ્રોજેક્ટના ઈન્ચાર્જ ચીફ એન્જિનિયર એમ. આર. વજારીયાએ કહ્યું હતું કે, વીજતંત્ર દ્વારા જ્યાં પછાત વિસ્તારો કે રણ-જંગલ સહિતના વિસ્તારોમાં વીજપૂરવઠો પૂરો પાડી શકાતો નથી અને માલધારી વસાહત આવેલી છે ત્યાં ખાસ સોલાર હોમ લાઈટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં પછાત વર્ગ અને ગરીબી રેખાની હેઠળ (બીપીએલ)ની યાદીમાં આવતા લોકોને નિશૂલ્ક આ સુવિધા મળશે. જેમાં તેમને પાંચ એલઈડી લાઈટ, પંખો, મોબાઈલ ચાર્જર સુવિધાનું કનેક્શનનો સમાવેશ થાય છે.
જ્યારે અન્ય લોકોને રૂ. ૪૫૦૦ હજાર ભરવાના રહેશે. આ ઉપરાંત સરકાર મકાન દીઠ રૂ. ૪૫ હજારનો ખર્ચ ચૂકવશે. ગુજરાતભર માટે રૂ. ૫૦ કરોડનો પ્રોજેક્ટ છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે રૂ. ૧૦ કરોડ ફાળવાયા છે. આ પ્રોજેક્ટમાં અત્યારે જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને જામનગર પંથકમાંથી ૭૦૦ અરજીઓ આવી છે.

પોરબંદરમાં અષાઢી બીજની ઊજવણીઃ પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ૧૮ જુલાઇએ રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા નીકળી હતી. પોરબંદરમાં રાજાશાહીના સમયમાં જ્યારે ખારવા જ્ઞાતિનો રામદેવજી મહાપ્રભુજીનો વરઘોડો નીકળતો તે પૂર્વે પોરબંદરના મહારાણા અથવા તેમના પ્રતિનિધિ ખારવા પંચાયત મંદિર મઢી ખાતે અષાઢી બીજે વાણોટને સાફો પહેરાવીને તલવાર ભેટમાં આપે પછી વરઘોડો નીકળતો હતો. એ પરંપરાને હવે ફરીથી જીવંત થઇ છે અને સમસ્ત રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મઢી ખાતે વાણોટ સુનિલભાઈ ગોહેલને સાફો પહેરાવીને તલવાર ભેટમાં આપી હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પરબધામની મુલાકાતેઃ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ નજીકનાં પરબધામમાં અષાઢી બીજે મેળો યોજાયો હતો. આ નિમિત્તે મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંત દેવીદાસ , અમરદેવી દાસની સમાધીના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું જે પ્રદેશમાંથી આવું છું ત્યાં અને સમગ્ર દેશમાં વરસાદ થાય અને ખેડૂતોનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી છે. જનતામાં ઇશ્વર વસે છે. જન સેવા પ્રભુ સેવાનો સંદેશો પરબધામ આપે છે. પરબનાં મહંત કરશનદાસબાપુ, લઘુમહંત રાજેન્દ્રદાસબાપુએ મુખ્ય પ્રધાનનું સ્વાગત કર્યું હતું.

ભાજપ આગેવાનના પુત્રનું અપહરણ-હત્યાઃ જૂનાગઢના ભલગામ ખાતે ગત સપ્તાહે યુવાનનું અપહરણ થયું હતું. બાદમાં જંગલમાંથી તેની લાશ મળી આવી છે. મૃતક જૂનાગઢ તાલુકા ભાજપ ઉપપ્રમુખનો પુત્ર હોવાનું અને લગ્નનું દેવુ વધી જતા તેના મિત્રે અપહરણ કર્યાનું ખુલ્યું છે. આરોપીએ મૃતકના પિતા પાસેથી રૂ. ૧૦ લાખની ખંડણી માંગી હતી. પોલીસે હત્યારાને ઝડપી લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter