રાજકોટઃ સૌરાષ્ટ્રને પાણી-પાણી કરી દેવાના ચૂંટણી ઢંઢેરાઓ પછી પાણી પ્રશ્ને સૌરાષ્ટ્રની સ્થિતિ ઉનાળાના આરંભે જ કફોડી છે. ડેમોમાં પાણી નથી અને નર્મદા નીર પ્રજા સુધી પહોંચતા નથી જેના લીધે સૌરાષ્ટ્રનાં ગામો અને શહેરોમાં ચારથી આઠ દિવસે પાણી મળે છે. કિસાનો અને ગ્રામજનો આ પંથકમાં મોરચા અને આંદોલનો કરે છે, પણ તેના કોઈ પરિણામ આવતા નથી.
સૌરાષ્ટ્રના લોકો કહે છે કે પાણી કરતા પણ મોટી અછત પાણીદાર નેતાઓની છે, અન્યથા ભાજપ જ્યાંથી સૌથી મજબૂત બન્યો અને હવે સત્તાસ્થાને હોય ત્યારે આ વિસ્તારને પાણીની તંગી શા માટે ભોગવવી પડે.
સૌરાષ્ટ્ર માટે પીવાના પાણી અને સિંચાઈ માટે અનેક યોજનાઓ છે, પરંતુ સૌરાષ્ટ્રમાં પાણીના સંગ્રહ અને વિતરણમાં સરકારનું સુચારુ આયોજન ન હોવાનો દંડ લોકો ભોગવી રહ્યા છે. અહીં પ્રત્યેક ચૂંટણીમાં પાણી પ્રશ્ન જ મુખ્ય મુદ્દો હોય છે, દરેક વખતે વચનો પણ પાણીના જ અપાય છે, આગામી ચૂંટણીમાં પણ જળયાત્રાના નામે વિપક્ષે ખાંડા ખખડાવી દીધા છે.
દરેક જિલ્લામાં જનાક્રોશ વધતા હવે માસ્ટર પ્લાન ઘડાઈ રહ્યાં છે, પણ કોઈ એવું આયોજન નથી કે જે મહિલાઓની રઝળપાટને અટકાવી શકે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજ વધુને વધુ ટેન્કરોની માંગ થઈ રહી છે અને એકાદ બે ટેન્કર માટે સેંકડો લોકો ધરણા કરી રહ્યા છે. સરકાર ખુદને કિસાનલક્ષી ગણાવે છે, પરંતુ કિસાનોની સુકાતી ખેતીને બચાવવા માટે ખરા સમયે જ પાણી અપાતું નથી.
ગુજરાતમાં હાલની સ્થિતિએ પામીનો જથ્થો માત્ર ૨૩.૪૫ ટકા છે. ઉત્તર ગુજરાતમાં ૨૨.૬૭ ટકા, મધ્ય ગુજરાતમાં ૨૮.૧૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૭.૮૬ ટકા અને કચ્છમાં ૧૭.૨૬ ટકા છે. આખા ગુજરાતમાં સૌથી વિકટ પરિસ્થિતિ સૌરાષ્ટ્રની છે. જ્યાં પાણીનો જથ્થો એક ટકાથી પણ નીચે છે, ૩ જિલ્લામાં ૧૦ જેવો જથ્થો છે.
રાજ્યના ૧૬ જિલ્લામાં પાણીની કટોકટી ખૂબ વધુ છે. રાજ્યની ૨૦૨ પાણી યોજનામાંથી ૧૯૮માં પાણીનો જથ્થો ૫૦ ટકા કરતાં નીચો છે. જેમાં ૨૦ યોજનામાં ૧૦ ટકા કરતાં નીચો પાણીનો જથ્થો છે.
રાજ્યના ૧૬ જિલ્લાના ૫ હજાર ગામમાં પાણીની તંગી છે, જેમાં સૌથી વધુ ગામો સૌરાષ્ટ્રના છે. કેન્દ્રમાં રાજકોટના સાંસદ પ્રધાન છે. રાજ્યમાં પણ રાજકોટના બબ્બે ધારાસભ્યો પ્રધાન છે. આમ છતાં સૌરાષ્ટ્રને પાણી માટે તરસવું પડે છે.
કચ્છી માલધારીઓની હિજરત
ગરમી અને પાણીની અછતને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છથી માલધારીઓએ હિજરત કરી પરિવારજનો અને પશુઓ સાથે રાજકોટમાં આશરો મેળવ્યો છે. કચ્છના કેટલાક તાલુકાઓમાં પાણી-ઘાસચારાની તીવ્ર અછત સર્જાશે તેવી દૂરંદેશીથી જોકે ૮૫૦ જેટલા પશુઓના નિભાવની વ્યવસ્થા સ્થાનિક સ્તરે પહેલેથી કરી દેવાઈ હતી તેથી કેટલાક માલધારીઓને રાજકોટ હિજરત કરવાની જરૂર પડી નથી. બાકીના ૪૦૦ જેટલા પશુઓ ધરાવતાં ૬ માલધારી પરિવારના ૨૦ જેટલા સભ્યોને ન્યારા ખાતે આશ્રય આપી તેમના રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ છે.