અમરેલીઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સાથે હંમેશા જોવા મળતા તેના સાથીદાર જસદણના દિનેશ બાંભણીયા સામે ઠગાઇની બે ફરિયાદ નોંધાઇ છે. ઢસા ગામના વેપારીએ રૂ. ૫,૭૨,૬૦૩ની છેતરપિંડીની ફરિયાદ વીરપુર પોલીસ સ્ટેશનમાં તો દામનગરના વેપારીએ રૂ. ૫૨,૬૮, ૫૧૫ની છેતરપિંડીની ફરીયાદ દામનગર પોલીસમાં નોંધાવી છે. ઢસાના વેપારી ખોડાભાઇ ભગવાનજીભાઇ પરસાણા પાસેથી હાર્દિક પટેલના સાથીદાર એવા દિનેશ ભગવાનજીભાઇ બાંભણીયાએ કપાસનો કાચો માલ ખરીદી તે પેટે ઉપરોક્ત રકમ ન ચૂકવતા ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોબાઇલ ઇન્ટરનેટ બંધ
હાર્દિક પટેલની સુરતમાં એકતા રેલીના કાર્યક્રમ અંગે અટકાયત કરાતા રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેવું કારણ રજૂ કરીને ૧૯થી ૨૬ સપ્ટેમ્બર સુધી રાજકોટમાં મોબાઈલ પર ઈન્ટરનેટ તેમ જ ગ્રૂપ એસએમએસની સેવાઓ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડવામાં આવ્યું હતું.
• ગોંડલમાં અનામતના નામે ગણેશોત્સવમાં વિવાદઃ અત્યારે ગણેશોત્સવની ધૂમ દરેક નાના-મોટા દરેક શહેરમાં જોવા મળે છે. જે તે વિસ્તારના નામ સાથે ‘રાજા’ શબ્દ જોડીને પંડાલ ધમધમતા કરવામાં આવે છે અને તે નામે આ પંડાલથી પ્રખ્યાત બને છે. આ સંજોગોમાં વર્તમાન સમયમાં ખૂબ જ ચગેલા અનામતના સામાજિક પ્રશ્નને લઇને ગોંડલમાં ગણપતિના પંડાલને ‘અનામત કા રાજા’ આપતા વિવાદ સર્જાયો છે. ગોંડલના મોહન પાર્કમાં એસ.પી.જી. ગ્રૂપ દ્વારા ગણપતિ સ્થાપન થયું છે. અને તેને ‘અનામત કા રાજા’ નામ અપાયું છે. આ નામ સામે શહેરના મહિલા અગ્રણી પરીનબહેન મહેતાએ નારાજગી વ્યકત કરી છે અને જરૂર પડે અન્ન-જળનો ત્યાગ કરવાની પણ ધમકી આપી છે. ભગવાનને અનામત આંદોલનમાં ઘસેડવાની આ પ્રવૃત્તિ સામે તેમનો વિરોધ છે. અનામત આંદોલન તેની જગ્યાએ છે. બીજી તરફ ગ્રૂપના પ્રમુખ પીયૂષ રાદડિયાએ જણાવ્યું હતું કે, તેઓ અનામત મુદ્દે આંદોલન ચલાવી રહ્યાં છે ત્યારે મુખ્ય પ્રધાન અનામતની માગણી સ્વીકારે તે પ્રાર્થના કરવા માટે ગણપતિને માધ્યમ બનાવ્યા છે.
• રિલાયન્સ રિફાઈનરીમાં મજૂરના મોત પછી વિવાદઃ જામનગરમાં મોટી ખાવડી પાસે રિલાયન્સ પેટ્રોલિયમ રિફાઈનરીમાં ૧૭ સપ્ટેમ્બરે એક પરપ્રાંતીય શ્રમિકની મોતની ઘટના બાદ વિફરેલા મજૂરોએ રિલાયન્સ કોલોનીમાં તોફાનો શરૂ કર્યા હતા. લેબર કોલોનીમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરનાર આ શ્રમિકની લાશ સિક્યુરીટીને નહીં સોંપીને અન્ય મજૂરોએ કરેલા ઘર્ષણ પછી કોલોનીમાં ભારે તોફાન ફેલાયું હતું. આ તોફાન બીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. જેમાં કુલ ૧૧૯ વાહનોને આગ ચાંપવામાં આવી હતી. ભારેલા અગ્નિ જેવી સ્થિતિને કાબુમાં લેવા જિલ્લાભરની પોલીસ તૈનાત કરવામાં આવી હતી. પોલીસે ૪૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને ૪૫ રાઉન્ડ ટીઅરગેસના છોડ્યા છે. બીજી તરફ તોડફોડ અને આગની ઘટનાઓને લઈને રિલાયન્સે લેબરના ૪૦ હજારના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.
• ચોટીલામાં મોરારિબાપુની રામકથાના સ્થળનું ભૂમિપૂજનઃ આસો મહિનાની પ્રથમ નવરાત્રિથી ચોટીલામાં પૂ. મોરારિબાપુની ‘માનસ ચામુંડા’ રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. રામકથા પૂર્વે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જે સ્થળે કથા યોજાવાની છે ત્યાં ૧૮ સપ્ટેમ્બરે રામકથા સમિતિ દ્વારા ભૂમિપૂજન, હવન તથા પ્રસાદનું આયોજન કરાયું હતું. ભજન કરો અને ભોજન કરાવોનાં હેતુથી યોજાનારી રામકથાના આ પૂજનમાં ચોટીલાની તમામ અઢારે વર્ણ જ્ઞાતિએ ભાગ લીધો હતો. આ કથામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી મોટાપાયે તૈયારીઓ થઇ રહી છે.