અમરેલીઃ ૧૧-૧૧ દિવસથી પૂર પીડિતો માટે ઉપવાસ આંદોલન કરી રહેલા અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણીએ કોંગ્રેસ મોવડી મંડળની વિનંતી સ્વીકારી ૧૬ જુલાઇએ પોતાની પુત્રીનાં હાથે પારણા કર્યા હતા. તેમણે હવે ભુખ્યા પેટનાં બદલે ભર્યા પેટે પંથકમાં સરકાર સામે લડાઇ ચાલુ રાખવાનું આહવાન કર્યું હતું.
અમરેલી જિલ્લામાં ૨૪ જુને ત્રાટકેલા વિનાશકારી વરસાદનાં કારણે ૩૫૦ જેટલા ગામનાં અસરગ્રસ્તો બેહાલ બન્યા હતા ત્યારે પરેશ ધાનાણી તેમ જ કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા ગામડા ખુંદી સર્જાયેલાં વિનાશથી બરબાદ થઇ ગયેલાં પાંચ લાખ લોકોની સહાય માટે સરકાર સમક્ષ ૨૦ મુદ્દાની રાહત પેકેજની માગણી કરી હતી. જે માગણી સરકારે ન સ્વીકારતાં ૬ જુલાઇથી ત્રણ દિવસ પરેશ ધાનાણી અને પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમરે અમરેલીનાં જીવરાજ મહેતા ચોકમાં પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારપછી પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રદેશ મંત્રી ઝવેરભાઇ રંધોળીયા અને જિલ્લા ખેડૂત સમિતિનાં પ્રમુખ નંદલાલ ભડકણે ૩ દિવસનાં આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા. પછી ફકત પરેશ ધાનાણીએ આમરણ ઉપવાસ શરૂ કર્યા બાદ સરકાર દ્વારા રૂ. ૧૬૨૫ કરોડની નુકસાની સામે ૧૪ જિલ્લા માટે ફકત રૂ. ૩૦૦ કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરાતા ધાનાણી દ્વારા આવું ‘ભીખનાં ટુકડા’ જેવું પેકેજ મંજૂર ન હોવાથી વધુ ત્રણ દિવસ આંમરણ ઉપવાસની જાહેરાત કરી હતી. આથી તેમના સમર્થકો અને મોવડી મંડળ ચિંતિત બન્યું હતું. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પરેશ ધાનાણીનાં ઉપવાસ છોડાવવા ઠરાવ કરી મોવડી મંડળને જાણ કરવામાં આવી હતી. મોવડી મંડળે પરેશ ધાનાણીને લોકહિતમાં ઉપવાસ છોડવા વિનંતી કરતાં સર્વોપરી મોવડી મંડળનું કહેણ માથે ચડાવી ધાનાણીએ ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ, પૂંજાભાઇ વંશ, શૈલેષ પરમાર, રાઘવજીભાઇ પટેલ, કોંગી કાર્યકરો અને વિશાળ જનમેદની વચ્ચે જણાવેલ કે કદાચ મારૂ શરીર પાછુ પડશે પરંતુ મનમાં વાળેલ ગાંઠ સ્મશાન સુધી નહીં છૂટે. આ માનવતાની લડાઇમાં ધંધા રોજગાર બંધ રાખી તન-મન-ધનથી સમર્થન આપનારને વંદન કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ૧૧ દિવસ ભુખ્યા લડ્યા હવે ખાઇ-પીને ભર્યા પેટે ગામડે-ગામડે જઇ લડીશું અને પૂર પીડિતોનો અવાજ વિધાનસભામાં ગજાવીશું.