માધાપરની પાસે આવેલા ગોરસર ગામમાં વરસંગભાઈ છેલ્લા ૧૫ વર્ષથી માનસિક રીતે અસ્થિર લોકોને હૂંફ અને પ્રેમ આપીને સાજા કરવાનું કાર્ય કરે છે. આ માટે તેમણે પોરબંદરથી ૧૫ કિ.મી. દૂર આવેલા માંગરોડ રોડ પર આશ્રમ બનાવ્યો છે.
આ પંથકમાં વણગાભાઈના હુલામણા નામે જાણીતા વરસંગભાઈને લોકો પ્રેમથી પાગલોના મામા તરીકે સંબોધે છે અને તેમનો સ્થાપેલો આશ્રમ ‘મામા પાગલ’ આશ્રમથી ઓળખાય છે. વણગાભાઈએ ૫૦૦થી પણ વધુ પાગલોને આશરો આપી સાજા કરીને તેમના સગા-સંબંધીઓને સોંપ્યા છે. તેમના આશ્રમમાં ગુજરાત ઉપરાંત બિહાર, કન્યાકુમારી તથા ઉત્તરપ્રદેશથી આવેલી અસ્થિર મગજની વ્યક્તિઓનો ઇલાજ થઈ રહ્યો છે.
વરસંગભાઈ વ્યવસાયે ટ્રક ડ્રાઈવર હતા અને આશ્રમની સ્થાપના નહોતી કરી એ વખતે પણ તેઓ રસ્તામાં રઝળતા માનસિક અસ્થિર કે નોંધારા માણસોને જોઈને તેમના પ્રત્યે અનુકંપા અનુભવતા હતા. આવા માણસોને નવડાવીને ભોજન કરાવતા. તેમનાં નખ અને વાળ પણ કાપી આપતા. વણગાભાઈના દીકરાઓ આર્થિક રીતે સ્થિર થયા પછી તેમણે ટ્રક ડ્રાઈવર તરીકે નિવૃત્તિ લીધી અને રસ્તે રખડતા માનસિક વિકલાંગ લોકો માટે જ જીવન સમર્પિત કરી દીધું.
એક વાર તેમને ગામની પાસે રસ્તે રખડતી એક પાગલ મહિલા મળી આવી. આ મહિલાને ખેતરમાં ઝૂંપડું બનાવીને વણગાભાઈએ સાચવી. એ પછી તેમને બીજા સાત અસ્થિર મગજના લોકો રખડતા મળ્યાં. તેમને પણ તે ખેતરમાં લઈ આવ્યા. આ દરેકની તે સેવા કરે. તેમનું ધ્યાન રાખે. દરેકને નવડાવે, ધોવડાવે. તેમના માટે ગામમાંથી જમવાનું માગી લાવે અને પોતાના હાથે જમાડે. તેમની સેવાચાકરીના પરિણામે ધીમે ધીમે પાગલ લોકોના વર્તનમાં સુધારો આવવા લાગ્યો. બીજી તરફ તેમની નિઃસ્વાર્થ સેવાની લોકોમાં જાણ થવા લાગી અને વિવિધ સ્વરૂપે દાન આવવા લાગ્યું. કોઈ દાતાએ ખેતરમાં બે ઓરડી બનાવી આપી. જ્યાં મહિલા દર્દીઓને રાખવામાં આવી અને પુરુષ દર્દીઓને ઝૂંપડીમાં જ રાખવામાં આવ્યા.
વણગા મામા કહે છે કે, કેટલાક લોકો મુશ્કેલીને કારણે તણાવમાં સરી પડે છે અને માનસિક સંતુલન ગુમાવી બેસે છે. આવા લોકોની સાથે સારું વર્તન કરવામાં આવે, તેમની કાળજી લઈને તેમના પ્રત્યે લાગણી દર્શાવવામાં આવે તો તે જરૂર સાજા થઈ જાય છે. તેઓ પણ પોતાની આગળની જિંદગી સામાન્ય માણસ જેમ જીવી શકે છે.
નવાઈની વાત છે કે, વણગાભાઈએ આશરે પાંચસો જેટલા માનસિક રીતે અસ્થિર લોકોની સેવા કરી છે, પણ ક્યારેય કોઈ દર્દીને તેમણે બાંધી રાખ્યો નથી. વણગાભાઈ કહે છે કે, ક્યારેય એવી પરિસ્થિતિ આવી જ નથી કે કોઈ દર્દીને બાંધીને રાખવો પડે. હું પ્રેમથી કોઈને પણ સમજાવું છું ને દર્દી સમજી જાય છે. આજે પણ આશ્રમમાં સૌ દર્દીઓ ખુલ્લેઆમ જ ફરતા દેખાય છે.