રાજકોટઃ ભાજપ સરકારની ‘સૌની’ યોજના એટલે કે સૌરાષ્ટ્ર, નર્મદા અવતરણ ઇરીગેશન યોજના સાકાર થવા લાગી છે અને હાલમાં મચ્છુ ડેમ - રમાં નર્મદાના નીર વહેવા લાગ્યા છે. આવતા છ મહિનામાં સૌરાષ્ટ્રના ૧૪ જળાશયોમાં નર્મદાના નીર ઠલવાઈ જશે અને તે સાથે સૌરાષ્ટ્રના ખેડૂતો વર્ષના બારે મહિના ખેતી કરી શકશે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કહ્યું હતું કે, ‘સૌની’ યોજના હેઠળ દરિયામાં વેડફાઈ જતાં નર્મદાના પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં ઠલવાઈ જશે અને ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે. ‘સૌની’ યોજના સાકાર થતાં સૌરાષ્ટ્રના ખેડૂતો વાસ્તવિક રીતે સોનું લણી શકશે.
૧૧ જિલ્લાના ૧૧૫ જળાશયોમાં નર્મદાના પાણી ઠાલવવાની આ મહત્ત્વાકાંક્ષી યોજના પૂર્ણ થતાં ૪ લાખ હેકટર કમાન્ડ વિસ્તારને બારે મહિના સિંચાઈની સુદૃઢ અને કાયમી સુવિધા પ્રાપ્ય બનશે. આગામી જૂન ૨૦૧૬ સુધીમાં પાંચ જિલ્લાના ૧૪ જળાશયોમાં ૭-૦૮૧ મિલિયન ઘન ફૂટ નર્મદાના પાણી ઠલવાશે જેનાથી ૬૩,૬૮૮ હેકટરમાં કાયમી સિંચાઈ વ્યવસ્થા ઊભી થઈ જશે.
‘સૌની’ યોજનામાં સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોને આવરી લેતી ચાર લિંક પાઇપ લાઈનોનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. ચારેય લિંક પાઇપ કેનાલોમાં પ્રથમ વાર અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નાંખવાની અને પંપિંગ સ્ટેશનની કામગીરી જૂન ૨૦૧૬ સુધીમાં પૂર્ણ થવાની બાંયધરી સરકારે આપી છે. આ કાર્યના આધારે જામનગરના ૪, મોરબીના ૫, રાજકોટના ૩, સુરેન્દ્રનગર તથા બોટાદના ૧-૧ એમ ૧૪ જળાશયોને ત્રણ લિંક દ્વારા પાણી પૂરું પડાશે.