રાજકોટથી ૨૨ કિમી દૂર આવેલું રાજસમઢિયાળા ગામ સ્વચ્છતાની મહત્તાને ૩૩ વર્ષ પહેલાં સમજી ગયું હતું. ૧૯૮૩થી આ ગામમાં કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરાયું હતું. આજે દંડ વસૂલવાની સ્થિતિ જ નથી, કેમ કે સ્વચ્છતા એ ગ્રામજનોની આદત બની ગઈ છે.
૧૯૮૩માં રાજસમઢિયાળાના સરપંચ તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ હરદેવસિંહ જાડેજાએ પોતાના ગામને દેશભરમાં અનોખી ઓળખ આપવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો અને ગ્રામજનો સમક્ષ મૂક્યો હતો. ગ્રામજનોએ ગામ સ્વચ્છ રાખવાનો આ વિચાર વધાવી લીધો હતો. એ સમયે ગામમાં કોઇ પણ વ્યક્તિ જાહેરમાં કચરો નાંખે તેની પાસેથી રૂ. ૫૧નો દંડ વસૂલવાની જોગવાઇ લાગુ કરાઈ હતી. આ માટે ગામના જ યુવાનોની ખાસ ટીમ બનાવાઈ હતી. ગામમાં પ્લાસ્ટિકનું રેપર ફેંકનારા પાસેથી શરૂઆતમાં રૂ. ૨૫૦નો દંડ વસૂલાતો હતો. જે હવે રૂ. ૧,૦૦૦ કરાયો છે.
આ નિયમ લાગુ કરાયો ત્યારે સૌથી પહેલા વર્ષે રૂ. ૩૦ હજારનો દંડ વસૂલાયો હતો, પણ પછી દંડની રકમમાં વધારો થતો ગયો, પણ દંડની રકમની આવકમાં ઘટાડો નોંધાતો ગયો. લોકો આપસૂઝથઈ જ ગામને ચોખ્ખું રાખવા લાગ્યા. આજે રાજસમઢિયાળા ક્લિન વિલેજ હોવા સાથે એક આદર્શ ગામમાં જોવા મળે તેવી તમામ સુવિધાઓ ગામમાં છે. ગામમાં હાઇસ્કૂલ, આંગણવાડી, પીએચસી સેન્ટર, પોસ્ટઓફિસ, વીજળી, પીવાના પાણીની ઘર સુધી લાઇન, સ્ટ્રીટલાઇટ, અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, સિમેન્ટ કોંક્રીટ રોડ, સોલાર લાઇટ, ગ્રામપંચાયતની રાશનની દુકાન અને ક્રિકેટ ગ્રાઉન્ડ એટલું જ નહીં સમગ્ર ગામને આવરતો આરઓ વોટર પ્લાન્ટ, વાઇફાઇ કનેક્ટિવિટી અને ગામ ફરતે સીસીટીવી પણ છે.
હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજસમઢિયાળાનો વિકાસ ગ્રામજનોની મહેનતથી થયો છે, રાજસમઢિયાળાને જોવા માટે દેશભરના લોકો આવે છે. ગામને અત્યાર સુધીમાં બેસ્ટ સરપંચ એવોર્ડ, બેસ્ટ વોટર હાર્વેસ્ટર, બેસ્ટ ફાર્મર એવોર્ડ, વિલેજ ડેવલપમેન્ટ એવોર્ડ, નિર્મળ ગ્રામ એવોર્ડ, તીર્થ ગ્રામ એવોર્ડ, સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ અને સ્વર્ણિમ ગ્રામ એવોર્ડ મળ્યા છે.