નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને ‘બધા મોદી’ને ચોર કહેવાનું ભારે પડી ગયું છે. સુરતની કોર્ટે તેમને બદનક્ષીના કેસમાં દોષિત ઠેરવીને બે વર્ષ કેદની સજા ફરમાવ્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમનું સંસદસભ્ય પદ રદ કરી નાંખ્યું છે. આ સાથે જ તેમને દિલ્હી સ્થિત સંસદસભ્ય નિવાસ ખાલી કરવા પણ નોટિસ ફટકારાઇ છે. રાહુલ ગાંધી સામે લેવાયેલા આ આકરાં પગલાંને કોંગ્રેસ દ્વારા મોદી સરકારની દ્વેષપૂર્ણ રાજનીતિ ગણાવાયું રહ્યું છે. તો બીજી તરફ, શાસક ભાજપની નેતાગીરી આને કાયદાનુસારની કાર્યવાહી ગણાવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2019માં ‘મોદી’ અટકને લઈને કરાયેલી ટિપ્પણીના સંદર્ભમાં દાખલ કરાયેલા માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જેના પગલે આ બાબતને કારણે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા છીનવી લેવામાં આવી હતી, જેથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે પૂર્વ સાંસદ થઈ ગયા છે. અત્યાર સુધી રાહુલ ગાંધી કેરલની વાયનાડ સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા, પરંતુ લોકસભા સચિવાલયે ગયા શુક્રવારે નોટિફિકેશન જાહેર કરી તેમનું સભ્યપદ રદ કરી દીધુ હતું. લોકસભામાંથી અયોગ્ય જાહેર થયા બાદ હવે લોકસભા આવાસ સમિતિએ રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવાયેલો બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાહુલ ગાંધીને 12 તુઘલખ લેનવાળો સરકારી બંગલો અપાયો છે, જેને 23 એપ્રિલ સુધી ખાલી કરવા માટે નોટિસ અપાઇ છે.
રાહુલ સામેનો કેસ શું છે?
લોકસભાની ગત ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલાર ખાતે એક જાહેરસભામાં ‘ભાગેડુ આર્થિક ગુનેગારોની સાથે બધા ચોરની અટક મોદી કેમ હોય છે?’ એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીએ એપ્રિલ 2019ના આ નિવેદનથી દેશભરમાં વસતા 13 કરોડ જેટલા લોકોની બદનક્ષી કરી હોવાની ફરિયાદ સાથે કેસ કર્યો હતો. બંને પક્ષની રજૂઆત સાંભળીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા સાથે રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવા માટે રાહુલ ગાંધીને 30 દિવસનો સમય આપીને જામીન મંજૂર કર્યા હતા.
તો ગુનાની ગંભીરતા વધે છેઃ ફરિયાદી પક્ષ
કેસમાં ફરિયાદી પક્ષ તરફે વકીલ કેતન રેશમવાલાએ અંતિમ દલીલોમાં જણાવ્યું હતું કે સંસદમાં કાયદો ઘડાય છે અને ખુદ તેને ઘડનારા સંસદસભ્ય તેનું પાલન નહીં કરે તો ગુનાની ગંભીરતા વધી જાય છે. ખાસ કરીને દેશના 130 કરોડો લોકો જે કાયદાનું પાલન કરે છે એનું ઉલ્લંઘન કાયદો ઘડનારાથી કરાય ત્યારે કડક સજા અને દંડ પણ થવો જોઈએ.
બચાવ પક્ષ તરફે વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનો ઈરાદો કોઈ પણ જ્ઞાતિ - જાતિનું અપમાન કરવાનો ન હતો. જો કે બચાવ પક્ષે હવે આ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારવાની તૈયારી શરૂ કરી દીધી છે.
રાહુલ કોર્ટમાં શું બોલ્યા?
ચુકાદાના સમયે કોર્ટે રાહુલને દોષિત ઠેરવવાની સાથે તેમણે કંઈ કહેવું છે એવું પૂછતાં રાહુલ ગાંધીએ ફક્ત પોતે જે ભાષણ આપ્યું છે તે પ્રજાહિતમાં પોતાની ફરજના ભાગરૂપે આપ્યું છે. સાથે જ પોતાને કોઈ પ્રજા-જ્ઞાતિ સાથે ભેદભાવ ન હોવાનું અને પોતે દેશની તમામ પ્રજાને પ્રેમ કરતા હોવાનું નિવેદન આપ્યું હતું.
રાહુલે શું ટિપ્પણી કરી હતી?
આ કેસમાં રાહુલે કોલાર ખાતે નીરવ મોદી, લલિત મોદી અને વિજય માલ્યા જેવા દેશના આર્થિક ગુનેગારોના નામ સાથે સાંકળી લઈ બધા ચોરની અટક મોદી કેમ હોય છે એ પ્રકારનો પ્રશ્ન લોકોને પૂછતું નિવેદન કર્યું હતું. સુરત ઉપરાંત આ પ્રકારની ફરિયાદ ઉપરાંત બિહારમાં પણ ભાજપ નેતા સુશીલ મોદી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને એ કેસમાં પણ રાહુલ ગાંધી જામીન પર છે, જેનો ચુકાદો પણ ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે.
મારું નામ સાવરકર નથી, માફી નહીં માગુંઃ રાહુલ
લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સંસદસભ્ય પદ ગુમાવ્યાના 24 કલાક બાદ રાહુલે પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. આ દરમિયાન રાહુલે અદાણી મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર હુમલા કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ‘મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી નથી માગતા.’ રાહુલે પોતાના સંબોધનની શરૂઆતમાં જ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું. અદાણીનો પીએમ સાથે શું સંબંધ છે? આ લોકોથી મને ભય નથી લાગતો. જો તેમને લાગે છે કે મારું સભ્યપદ રદ કરાવીને, ડરાવીને, ધમકાવીને જેલમાં મોકલીને બંધ કરી શકે છે, પરંતુ હું ભારતની લોકશાહી માટે લડી રહ્યો છું અને લડતો રહીશ.
હું મારું કામ ચાલુ રાખીશઃ રાહુલ
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ મને અયોગ્ય જાહેર કરી દે, પરંતુ હું મારું કામ કરવાનું ચાલુ રાખીશ. મને આ વાતે કોઈ ફરક નથી પડતો કે હું સંસદની અંદર છું કે નહીં, પરંતુ હું દેશ માટે લડવાનું ચાલુ રાખીશ. હું દેશ માટે લડતો રહીશ.