ટાન્ઝાનીયાની ચૂંટણીઅો દરમિયાન ટાન્ઝાનીયામાં વસતા ગુજરાતી પરિવારોને ધ્યાનમાં રાખીને સત્તાધારી સીસીએમ પાર્ટીએ વિશેષ પ્રચાર ઝુંબેશ આદરી છે અને 'સીસીએમને વોટ દેજો' તેમજ 'સુખ, શાંતિને સુરક્ષા વધારશે' જેવા બેનર મૂકાયા છે. બીજી તરફ કેરી મોહમ્મદ કેસી નામના સીસીએમ પક્ષના ઉમેદવારે ભારતીયોને પોતાના પક્ષમાં લેવા હિન્દી ભાષામાં પ્રચાર ઝુંબેશ હાથ ધરી છે. તેમણે 'આપકા વોટ કેરી મોહમ્મદ કેસી કો દો અૌર સીર્ફ સીસીએમકે નામ' લખેલા બેનર મૂકાવ્યા છે.
સીસીએમ પક્ષ ટાન્ઝાનીયામાં સત્તા સ્થાને છે અને દેશમાં વસતા ભારતીયો અને ગુજરાતી મતદારોને આકર્ષવા માટે તેમણે હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્લે કાર્ડ અને લોન સાઇન મૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં પણ ચૂંટણી વખતે વડાપ્રધાન ડેવિડ કેમરન સહિત લેબર અને ટોરી પક્ષના નેતાઅો મંદિરો અને ગુરૂદ્વારાઅોની મુલાકાત લઇ ચૂક્યા છે. 'જયશ્રી ક્રિષ્ણ', 'જય શ્રી સ્વામીનારાયણ', 'કેમ છો', 'નમસ્કાર' જેવા શબ્દો ઉચ્ચારીને તેમજ કપાળમાં તિલક, ખેસ અને ટોપી ધારણ કરી લોકપ્રિયતાની ટોચે પહોંચ્યા હોવાના દાખલા છે.