નવી દિલ્હીઃ ભારત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, 2018થી અત્યાર સુધીમાં દરિયાપારના દેશોમાં ભારતના 403 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેમાં કુદરતી કારણો, અકસ્માત અને મેડિકલ બાબતોનો સમાવેશ થાય છે. 34 દેશમાંથી કેનેડામાં સૌથી વધુ 91 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે.
વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 2018થી અત્યાર સુધી વિદેશમાં ભણતા 403 વિદ્યાર્થીઓનાં મૃત્યુનાં બનાવ નોંધાયા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીની સુરક્ષાને સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. કોઇ અનિચ્છનીય બનાવની સ્થિતિમાં એ દેશની સંબંધિત ઓથોરિટી સમક્ષ તરત મુદ્દો ઉઠાવવામાં આવે છે. જેથી ઘટનાની યોગ્ય તપાસ કરી દોષિતને સજા મળી શકે. દેશના વિદ્યાર્થીઓને ઇમરજન્સી મેડિકલ સારવાર, બોર્ડિંગ સહિતની સુવિધા જરૂરિયાત મુજબ આપવામાં આવે છે.’
મુરલીધરને જણાવ્યું કે, અનિચ્છનીય બનાવનાં સંજોગોમાં યજમાન દેશનાં સંબંધિત સત્તાવાળાનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવે છે અને ઘટનાની યોગ્ય તપાસ થાય અને આરોપીને સજા થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત, મુશ્કેલીમાં મૂકાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કોન્સ્યુલર ઓફિસ દ્વારા ઇમરજન્સી મેડિકલ સહાય અને બોર્ડિંગ-લોજિંગ સુવિધા પૂરી પાડવામાં આવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ રહી છે. કોન્સ્યુલેટ્સ મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓના પરિવાર સાથે સંપર્ક કરે છે અને સ્થાનિક ઓથોરિટી સમક્ષ પણ આવા કેસ અંગે પ્રશ્ન ઉઠાવે છે.
કયા દેશમાં કેટલાં વિદ્યાર્થીનાં મોત
કેનેડા 91
ઇંગ્લેન્ડ 48
રશિયા 40
અમેરિકા 36
ઓસ્ટ્રેલિયા 35
યુક્રેન 21
જર્મની 20
સાયપ્રસ 14
ઇટલી 10
ફિલિપાઇન્સ 10