વોશિંગ્ટનઃ અમેરિકાએ H-1B, L-1 અને EB-5 સહિતના નોન-ઈમિગ્રન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. એપ્રિલ 2024થી ફીમાં વૃદ્ધિ અમલી બનશે. હવે H-1B વિઝાની એપ્લિકેશન ફી 460 ડોલરથી વધારીને 780 ડોલર કરાઇ છે. જ્યારે આગામી વર્ષથી H-1B રજિસ્ટ્રેશનનો ખર્ચ 10 ડોલરથી વધારી 215 ડોલર થશે. H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સની ભરતી કરવાની મંજૂરી આપે છે. અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીનના હજારો કર્મચારી પર નિર્ભર છે. આથી ખાસ કરીને ભારતના આઇટી પ્રોફેશનલ્સને H-1B વિઝાની ફીમાં વધારાની અસર થશે. L-1 વિઝાની ફી પણ 460 ડોલરથી વધારી 1385 ડોલર કરાઇ છે. L-1 વિઝા મલ્ટિનેશનલ કંપનીઓને તેમની વિદેશી ઓફિસથી અમુક કર્મચારીઓને અમેરિકામાં કામચલાઉ ધોરણે કામ કરવા માટે ટ્રાન્સફરની મંજૂરી આપે છે. ઈન્વેસ્ટર્સ વિઝા ગણાતા ઈબી-5 વિઝાની ફી પણ 3975 ડોલરથી વધારી 11,160 ડોલર કરાઇ છે. 31 જાન્યુઆરીએ જારી નોટિફિકેશનમાં EB-5 પ્રોગ્રામ હેઠળ હાઈ નેટવર્થ વિદેશી રોકાણકારો અમેરિકાના બિઝનેસમાં ઓછામાં ઓછા પાંચ લાખ ડોલરનું રોકાણ કરી તેમના અને તેમના પરિવાર માટે અમેરિકાનો વિઝા મેળવી શકે છે. પાંચ લાખ ડોલરનું રોકાણ અમેરિકાના કર્મચારીઓ માટે 10 નોકરી ઉમેરવામાં મદદ કરે છે. અમેરિકન સરકારે 1990માં આ વિઝા લોન્ચ કર્યા હતા. અગાઉ ચાલુ વર્ષે ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે H-1B કેટેગરી પર નિયંત્રણ મૂકવા બદલ અમેરિકન સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સરકારે ગેરકાયદે ઈમિગ્રેશન બંધ કરી કાયદેસરના ઈમિગ્રેશનમાં વધારો કરવો જોઈએ. કાયદેસરના ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકામાં આવવું વધુ પડતું મુશ્કેલ બની ચૂક્યું છે.’