નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વાર બંને દેશો વચ્ચેના બગડી રહેલા સંબંધો માટે ભારતને જવાબદાર ઠરાવ્યું છે. જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડા ક્યારેય પણ કાયદાથી ઉપરવટ જઈને કે પછી મનસ્વી આરોપી લગાવ્યા નથી અને આજે પણ ભારતની સાથે ‘રચનાત્મક’ રીતે કામ કરી રહ્યું છે. જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર સીધી રીતે કાયદો તોડવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે એમ પણ કહ્યું કે તેમની સરકાર ભારત સાથ કોઈ ઘર્ષણ કે સંબંધોમાં ખટરાગ ઈચ્છતી નથી, પરંતુ મળીને કામ કરવા ઈચ્છે છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડાના 41 રાજદૂતને પરત મોકલવાની ભારતની સૂચના પછી તેમને કેનેડા પરત ફરવું પડ્યું હતું. આ માટે ટ્રુડોએ ફરી ભારત પર વિયેના કન્વેન્શનના ભંગનો આરોપ લગાવ્યો છે.
ટ્રુડોએ કહ્યું કે, ભારતે વિયેના કન્વેન્શનનો ભંગ કર્યો અને 41 કેનેડિયન રાજદૂતોની ડિપ્લોમેટિક છૂટને મનસ્વી રીતે રદ કરી દીધી હતી, જેનાથી અમે નિરાશ થયા છીએ. આ વલણ આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ ખતરનાક અને ગંભીર બનાવી શકે છે. તેમ છતાં અમે ભારતની સાથે રચનાત્મક અને હકારાત્મક રીતે કામ કરવાની કોશિશ કરી છે અને આગળ પણ ચાલું રાખીશું. એ એવી લડાઈ નથી, જે અમે હાલ કરવા ઈચ્છીએ છીએ.