વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન અને નોબેલ પારિતોષિક વિજેતા હેન્રી કિસિન્જરનું અવસાન થયું છે. તેમણે 29 નવેમ્બરે કનેક્ટિકટ સ્થિત પોતાના નિવાસસ્થાને 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. કિસિન્જરની ભૂમિકા 1971ના ભારત-પાક. યુદ્ધ વખતે વિવાદાસ્પદ રહી હતી. બે રાષ્ટ્રપતિના હાથ નીચે કામ કરનાર કિસિન્જરે તેમની કાર્યપદ્ધતિથી અમેરિકન વિદેશનીતિ પર એક અમિટ છાપ છોડી હતી. કિસિન્જરે પોતાના કાર્યકાળ પૂરો થયા બાદ પણ વ્હાઈટ હાઉસમાં યોજાયેલ ઘણી બેઠકોમાં ભાગ લીધો હતો. કિસિન્જર ગયા જુલાઇમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે અચાનક બૈજિંગ ગયા હતા. 1970ના દાયકામાં કિસિન્જરે રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસનની સરકારમાં વિદેશપ્રધાન તરીકે ભૂમિકા ભજવી હતી. 1971માં નિકસનના કાર્યકાળમાં એનએસએ તરીકે કિસિન્જરે બેઇજિંગની ગુપ્ત યાત્રા કરી હતી. આ પ્રવાસ ગુપ્ત હોવાથી તેઓ પહેલા પાકિસ્તાન ગયા હતા ત્યાંથી તેમણે બૈજિંગની ફલાઇટ લીધી હતી. આ પ્રવાસમાં તેમણે ઘણાં દિવસો સુધી ચીની નેતાઓ સાથે વાતચીત કરી હતી. ચીન સાથે અમેરિકાની ડિપ્લોમેટિક મંત્રણામાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. તેમની વિદેશનીતિને કારણે જ અમેરિકા-સોવિયેત સંઘ હથિયાર નિયંત્રણ મંત્રણા થઇ હતી.