વોશિંગ્ટનઃ અમેરિકન સરકારે આખી જિંદગી દેશમાં રહેનારા 62 વર્ષના એક ડોક્ટરને સિટિઝનશિપ આપવાનો ઈનકાર કરી દઇને પાસપોર્ટ રિન્યૂ કર્યો નથી. અમેરિકામાં જન્મેલા આ ડોક્ટરનું નાગરિકત્વ રદ થતાં હવે તેના માટે ક્યા દેશમાં જઈને રહેવું તે મોટો પ્રશ્ન સર્જાયો છે. તેના પિતા ઈરાનની એમ્બેસીમાં કામ કરતા હતા એટલે વિશેષ કેટેગરીમાં તેમના પરિવારને અમેરિકામાં વસવાટની પરવાનગી મળી હતી. હવે સિઆવશ સોભાની નામના 62 વર્ષના આ ડોક્ટર અને તેના પરિવાર માટે ભારે મૂંઝવણ સર્જાઇ છે.
આ ડોક્ટરનો જન્મ અમેરિકામાં જ થયો હતો અને 30 વર્ષથી એ વર્જિનિયામાં પ્રેક્ટિસ કરે છે. આમ જન્મથી જ અમેરિકાનો પાસપોર્ટ ધરાવે છે. તેમના પિતા ઈરાનની એમ્બેસીમાં કાર્યરત હતા તે વખતે પરિવારને ડિપ્લોમેટિક કેટેગરીમાં અમેરિકામાં રહેવાની પરવાનગી મળી હતી. તે સમયગાળામાં જ સિઆવશ સોભાનીનો જન્મ થયો હતો. આટલા વર્ષથી અમેરિકામાં રહેતા આ ડોક્ટરનો પાસપોર્ટ હવે અમેરિકન સરકારે રિન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને એની સિટિઝનશિપ રદ્ કરી દીધી હતી.
અમેરિકન સરકારે કારણ આપતા કહ્યું હતું કે તેમના પિતા ઈરાનની એમ્બેસીમાં કાર્યરત હતા અને તેમને જે સ્પેશિયલ કેટેગરીમાં રહેવાની પરવાનગી મળી હતી તે ડોક્ટરને આપી શકાય નહીં. ડો. સિઆવશ સોભાનીએ આ નિર્ણય બાબતે આશ્વર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે અત્યાર સુધી દર વખતે સરકારે સ્પેશિયલ કેટેગરીમાં પાસપોર્ટ રિન્યૂ કરી આપ્યો હતો અને સિટિઝનશિપ મુદ્દે કોઈ સવાલ ખડા કર્યા ન હતા. આ મુદ્દાનો નિવેડો લાવવા ડોક્ટરે અત્યાર સુધીમાં 40 હજાર ડોલરની રકમ ખર્ચી નાખી હતી. પરંતુ ગૃહ વિભાગે એવો જવાબ આપ્યો હતો કે સરકાર આગળ કોઈ નિર્ણય કરશે તો જાણકારી આપવામાં આવશે.