પહેલી નજરે તો આ સાથેની તસવીર સ્પેસ શટલ પોર્ટલ કે ખગોળશાસ્ત્રીય યાંત્રિક રચનાની જણાય પરંતુ, વાસ્તવમાં તે ભવિષ્યના બુક સ્ટોર્સ કેવા હોઈ શકે તેનું આર્કિટેક્ચરલ ઉદાહરણ છે. વર્તમાન જગતમાં સ્માર્ટ મોબાઈલ ફોન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે ત્યારે બુકસ્ટોર કેટલા અંશે પ્રસ્તુત બની રહેશે તેવા માહોલ વચ્ચે ચીનના શાંઘાઈની આર્કિટેક્ટ ફર્મ X+Living દ્વારા શેન્ઝેન અને ચોઆંગકિંગ સહિત સમગ્ર ચીનમાં વિશિષ્ટ સ્થાપત્યશૈલીના બુકસ્ટોર્સનું નિર્માણ કરાયું છે. મગજ ચક્કર ખાઈ જાય તેવી આ તસવીર પૂર્વ ચીનના જિઆંગ્સુ પ્રોવિન્સના હુઆઈ‘અન શહેરમાં 8700 ચોરસ ફૂટમાં ફેલાયેલા અને બે મજલાના ઝોન્ગ્સહ્યુજ બુકસ્ટોરની છે. આ સ્થાપત્ય વિશિષ્ટ એટલા માટે છે કે તેમાં સિમેન્ટ કોન્ક્રિટનો નહિ પરંતુ, લાકડા અને માર્બલની રિંગ્સનો ઉપયોગ કરાયો છે જેમાં તારાઓના સમુદ્રમાંથી બહાર આવતી હોય તેવી અભરાઈઓ પર હજારોની સંખ્યામાં ટનબંધ પુસ્તકો રાખવામાં આવ્યાં છે. તેની ઈન્ટિરિયર સર્પાકાર ડિઝાઈનમાં યુનિવર્સ એટલે કે બ્રહ્માંડનો અકલ્પનીય દેખાવ ઉપસાવાયો છે જેમાં, અલગ અલગ કદના પ્લેનેટ્સ ઘૂમતા દેખાય છે જેમાં પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવે છે. આ બુકસ્ટોર ઈમારતમાં બેસીને વાંચન માટેના વિસ્તાર ઉપરાંત, કાફે, રંગીન યંત્રમાનવો અને ઉપગ્રહોના સ્પેસથીમ સાથે બાળકો માટેનો વિસ્તાર પણ રખાયો છે.