બૈજિંગઃ ઉત્તર-પશ્ચિમ ચીનના ગાન્સુ પ્રાંતમાં સોમવારની મધ્યરાત્રે આવેલા શક્તિશાળી ભૂકંપમાં 116 લોકોનાં મૃત્યુ થયાં છે. ચીનના સત્તાવાળાઓ જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 રિક્ટર સ્કેલ હતી અને મધ્યરાત્રિએ આ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની અસર ગાન્સુ પ્રાંતની નજીક આવેલા કિંઘાઈ પ્રાંત સુધી થઈ છે. આ વિસ્તારોમાં અતિશય ઠંડી અને હાઈઅલ્ટિટ્યૂડ વિસ્તારને કારણે બચાવકાર્યમાં પણ મુશ્કેલી પડી રહી છે. જોકે, હજારો લોકો બચાવકાર્યમાં લાગી ગયા છે. આ પછી મંગળવારે નજીકના શીનજિયાંગ પ્રાંતમાં બીજો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 5.5 રિક્ટર સ્કેલ હતી.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગાન્સુ પ્રાંતમાં બચાવ અને રાહત કામગીરી માટે તાત્કાલિક આદેશ આપી દીધા છે. આ વિસ્તાર ચીનના અતિશય ગરીબ વિસ્તારોમાંનો એક ગણાય છે. જિશિયાન કાઉન્ટીનો આ વિસ્તાર સૌથી પ્રભાવિત વિસ્તાર છે. ગાન્સુ એ તિબેટીયન અને લોસ ઉચ્ચ પ્રદેશની વચ્ચે અને મોંગોલિયાની સરહદે આવેલો પ્રાંત છે. આ પ્રાંતમાં ચીનના મુસ્લિમ હુઈ લોકોનો વસવાટ વધુ છે.
ચીનના સત્તાવાળાઓ અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી છે અને જમીનની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર હતું. આ ભૂકંપ પછી દસેક જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા. અનેક ફૂટેજમાં એવું જોવા મળ્યું છે કે હોસ્પિટલમાં અનેક દર્દીઓ આવી રહ્યા છે બચાવ દળની ટુકડીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે.