પેરિસ: જગવિખ્યાત પ્રવાસન સ્થળ અને ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવર ખાતે બીજી ફેબ્રુઆરીએ યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય દૂતાવાસે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)નું લોન્ચિંગ કર્યું હતું. આમ હવે લોકો UPI દ્વારા પણ એફિલ ટાવર માટે ટિકિટ બુક કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે કહ્યું હતું કે આ જોઈને ખૂબ પ્રસન્નતા થઈ. UPIને વૈશ્વિક બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે.
ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં તાજેતરમાં ભારતપ્રવાસે ગયા હતા ત્યારે વડાપ્રધાન મોદીએ જયપુરમાં તેમને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત UPIથી કેટલી સરળતાથી પેમેન્ટ થઇ શકે તે પણ દર્શાવ્યું હતું. બાદમાં બંને નેતાઓએ એક દુકાન પર ચા પીધી હતી અને તેનું પેમેન્ટ રાષ્ટ્રપતિ મેક્રોં દ્વારા UPIથી કરાયું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ UPI પેમેન્ટના ચાહક બની ગયા હતા. ડિજિટલ પેમેન્ટમાં થયેલાં વધારાને કારણે સામાન્ય લોકોને પણ આર્થિક લેવડ-દેવડમાં સરળતા રહે છે.