વોશિંગ્ટન: દુનિયાભરમાં હલચલ મચાવનાર ચેટજીપીટી વિકસાવનારી કંપની ઓપન એઆઈમાંથી કાઢી મુકાયેલા સેમ આલ્ટમેન માત્ર 48 કલાકમાં માઇક્રોસોફ્ટમાં જોડાઈ ગયા છે. આલ્ટમેનની ઓપન એઆઈમાં પરત ફરવાની વાતો વચ્ચે માઇક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નદેલાએ સોમવારે આ જાહેરાત કરી હતી. ઓપન એઆઈના પૂર્વ પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેન પણ માઇક્રોસોફ્ટમાં જોડાઈ ગયા છે.
નદેલાએ એક્સ પર લખ્યું, ‘આલ્ટમેન અને બ્રોકમેન પોતાની ટીમ સાથે નવી એડવાન્સ એઆઇ ટીમને લીડ કરશે. અમે તેમને સફળતા માટે આવશ્યક સંસાધન પૂરાં પાડીશું.’ નદેલાએ આ સાથે ટ્વિટરના પૂર્વ ચીફ અમ્મેટ શીયરને ઓપન એઆઈના નવા સીઈઓ બનાવ્યાનું જણાવ્યું હતું. આલ્ટમેનને દૂર કરાયા પછી કંપનીએ 17 નવેમ્બરે ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મુરાતીને સીઈઓ બનાવ્યા છે. માઈક્રોસોફ્ટે ઓપન એઆઈમાં 10 બિલિયન ડોલર એટલે કે રૂ. 83,000 કરોડનું રોકાણ કર્યું છે.