ઓટાવા: કેનેડા તેના હંગામી વિઝાધારક નિવાસીઓની સંખ્યામાં ઘટાડો કરીને હંગામી ઈમિગ્રેશન માટેની સંખ્યાને પણ મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. ઈમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે ગયા ગુરુવારે કેનેડામાં પ્રવર્તી રહેલી આવાસ અછત અને નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં સામે આવી પડતી મુશ્કેલીઓ વિષે જાણકારી આપતાં ઉપરોક્ત સંકેત આપ્યા હતા. આર્થિક વિકાસ અને શ્રમિકોની અછતને પહોંચી વળવા માટે જસ્ટિન ટુડોની સરકાર ઇમિગ્રન્ટ્સનો સહારો લેતી હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી કેનેડામાં હંગામી વિઝા પર આવતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામદારોની સંખ્યા વધી ગઈ છે. પરંતુ લિબરલ સરકાર આજકાલ નવા જ પ્રકારના રાજકીય દબાણોનો સામનો કરી રહી છે. સરકારની ઈમિગ્રેશન નીતિના ટીકાકારો કહી રહ્યા છે દેશ આવાસ સુવિધાની અછતનો સામનો કરી રહ્યો છે. કૂદકે ને ભૂસકે વધી રહેલી વસતીને કારણે કેટલાક પ્રાંતો શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ આપવામાં પણ મુશ્કેલી અનુભવી રહી છે.