ઓટાવાઃ ખાલિસ્તાનીઓને ભડકાવવા અને તેમને આશરો આપવા માટે કેનેડા કુખ્યાત છે. એક ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડાએ ભારત પર આરોપો લગાવી દીધા હતા. આ મામલે હવે કેનેડા સ્થિત ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ કેનેડાને આડેહાથ લેતાં કહ્યું છે કે કોઇ જ તપાસ કર્યા વગર કેનેડાએ નિજજરની હત્યા માટે ભારતને દોષી ઠેરવી દીધું છે.
હાઈ કમિશનર સંજય કુમારે કહ્યું છે કે નિજ્જરની હત્યા માટે ભારત પર જે આરોપો લગાવ્યા હતા તેના પુરાવા રજુ કરો. સાથે તેમણે એમ પણ કહ્યું કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યાને લઈને જે આરોપો લગાવ્યા છે તેના પુરાવા રજુ કરશે તો ભારત પણ તેના પર વિચારણા કરશે.
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તપાસ પુરી થયા વગર જ કેનેડાએ ભારતને દોષી ઠેરવી દીધું. શું આ પ્રકારના આરોપો લગાવી શકાય? જો કેનેડા પાસે આરોપો અંગે કોઇ પુરાવા હોય તો તે અમને સોંપે અમે તેના પર ધ્યાન આપીશું.