ટોરોન્ટો: કેનેડાના મેનીટોબા પ્રાંતમાં ભારતીય મૂળના સ્ટોર કર્મચારીએ વોરન્ટ વગર સ્ટોરની તપાસ કરવા અને ડિપોર્ટ કરી દેવાની ધમકી આપવા બદલ એક પોલીસ અધિકારી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. કેસમાં પોલીસ અધિકારી જેફરી નાર્મનની સાથે જ વિનીપેગ શહેરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સાર્જન્ટ એવન્યુ કન્વીનિયન્સ સ્ટોરમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હરજોત સિંહને વિનીપેગના પોલીસ અધિકારી જેફરી નાર્મનની હરકતોને કારણે નોકરી છોડી દેવાની ફરજ પડી હતી. ગયા મહિને મેનિટોબા કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં હરજોત સિંહે જણાવ્યું હતું કે જેફરી નાર્મન ગત બે ડિસેમ્બરે બંધ દુકાનમાં પ્રવેશ કરવા ઇચ્છતો હતો. સામાન્ય શાબ્દિક બોલાચાલી પછી પોતે દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ જેફરી નાર્મને વોરન્ટ વગર પરિસરની તપાસ શરૂ કરી દીધી હતી. હરજોત સિંહે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે નાર્મને તેની પૂછપરછ કરી હતી અને સહકાર ન આપવા બદલ ડિપોર્ટ કરી દેવાની ધમકી આપી હતી.
હરજોત સિંહે કરેલા દાવા મુજબ સ્ટોરની તપાસ વોરન્ટ વગર અયોગ્ય રીતે કરવામાં આવી હતી. આથી હરજોત સિંહ પોતે હેરાન થઈ ગયા હતા અને તેમણે નોકરી છોડી દીધી હતી.