ઓટાવા: ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદને કારણે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં તેજીથી ઘટાડો થયો છે. આ વાત કેનેડાના માઈગ્રેશન મંત્રી માર્ક મિલરે પણ માની છે. મિલરે કહ્યું કે, અમે વર્ષ 2022ની તુલનાએ ગત ક્વાર્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે 86 ટકા ઓછા સ્ટડી વીઝા જારી કર્યા છે. વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં 1,08,940 વીઝા જારી થયા હતા, જ્યારે 2023માં આ મુદતમાં માત્ર 14,910 વીઝા જારી કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે કેનેડામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ વસતી ભારતીય વિદ્યાર્થીઓની છે. તેનાથી કેનેડાને દર વર્ષે 136 લાખ કરોડ રૂપિયાની આવક થાય છે. બંને દેશો વચ્ચેના તણાવને કારણે વિદ્યાર્થીઓ માટે વધુ પરમિટ જારી કરી શકાઇ નથી. બન્ને દેશો વચ્ચે હજુ પણ તણાવ છે. તેમણે કહ્યું કે ભારતથી આવનારી અરજીઓની સંખ્યા પર કાર્યવાહીની અમારી ક્ષમતા અડધી થઇ ચૂકી છે. અમારે ભારતના આદેશ પર અમારા 41 રાજદ્વારીઓને પરત બોલાવવા પડ્યા છે.
બીજી તરફ, ભારતના હાઈ કમિશનર સી. ગુરુસુબ્રમણ્યમે કહ્યું કે, ભારતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ બીજા દેશોમાં તક શોધી રહ્યાં છે. વાસ્તવમાં, કેનેડામાં ઘરોની અછત છે અને અનેક કોલેજમાં સારી સુવિધાઓ પણ નથી.
ખાલિસ્તાની સમર્થકની હત્યા બાદ તણાવ
ગત વર્ષે જૂનમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટુડોના એક નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ટ્રુડોએ કહ્યું હતું કે ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ સામેલ છે. ભારતે તેના પર ભારે નારાજગી અને વાંધો વ્યક્ત કરતા કેનેડા પર ભારત વિરોધી અલગતાવાદી તત્વોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.