વોશિંગ્ટન: અમેરિકાના અલ્બામામાં હત્યાકેસના દોષિત એક વ્યક્તિ કેનેથ સ્મિથને નાઇટ્રોજન ગેસથી મૃત્યુદંડ અપાતાં હોબાળો થઈ ગયો છે. વ્હાઈટ હાઉસે પણ આ પ્રકારે મૃત્યુદંડ આપવા સામે ચિંતા પ્રકટ કરી છે. જયારે યુએનના હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશને પણ આ રીતે મૃત્યુદંડ આપવાને નિર્દયી રીત ગણાવીને તેની આકરી ટીકા કરી છે.
વ્હાઈટ હાઉસે આ અંગે કહ્યું કે મૃત્યુદંડ માટે નાઈટ્રોજન ગેસનો ઉપયોગ ચિંતાજનક છે. અમે આ કારણે ખૂબ જ દુ:ખી અને વ્યથિત છીએ. અમેરિકામાં ઝેરનું ઈન્જેક્શન આપીને મૃત્યુની સજા કરાય છે, પણ અલ્બામાં, ઓકલાહામા, અને મિસિસિપીમાં નાઈટ્રોજન ગેસથી મૃત્યુદંડ આપવાની જોગવાઈ છે.
જોકે અલ્બામાના એટર્ની જનરલ સ્ટિવ માર્શલે કેનેથ સ્મિથને નાઇટ્રોજન ગેસથી મૃત્યુની સજા આપવાના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે બધું જ પ્રોફેશનલ રીતે કરાયું હતું અને અમે ભવિષ્યમાં પણ આ પ્રકારે કેદીઓને મૃત્યુની સજા કરીશું.
મૃત્યુ પહેલાં કેનેથ તરફડ્યો
કેનેથ સ્મિથને 1988માં પાદરીની પત્નીની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી. 25 જાન્યુઆરીએ કેનેથને ફેસમાસ્ક દ્વારા નાઇટ્રોજન ગેસ સુંઘાડીને મૃત્યુની સજા કરવામાં આવી હતી. કેનેથને મૃત્યુદંડની સજા દરમિયાન હાજર રહેલા લોકોએ પણ તેને અતિશય ભયાનક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે નાઇટ્રોજન ગેસ શરીરમાં ગયાની બે-ચાર મિનિટ બાદ કેનેથ ખૂબ તરફડ્યો હતો. ત્યાર બાદ તેણે ભારે શ્વાસ લીધા અને પછી તેનું મૃત્યુ થઈ ગયું. આ આખી પ્રક્રિયામાં પાંચ મિનિટનો સમય થયો હતો.
યુરોપિયન યુનિયને વિરોધ નોંધાવ્યો
યુનાઇટેડ નેશન્સના માનવ અધિકાર સંગઠનના પ્રમુખ વોલ્ટર ટર્કે નાઇટ્રોજન ગેસથી મૃત્યુ આપવાની રીત અંગે ચિંતા પ્રકટ કરી અને તેને ત્રાસ, નિર્દયતા, અને અમાનવીય ગણાવી. સંયુક્ત રાષ્ટ્ર સંગઠનનાં પ્રવક્તા રવિના શમદાસાનીએ મૃત્યુની સજા પર જ રોકની માગણી કરી અને કહ્યું કે એકવીસમી સદીમાં પણ આવી રીતોનો ઉપયોગ ખોટો છે. યુરોપિયન યુનિયને પણ મૃત્યુની આ રીતની ટીકા કરી અને કહ્યું કે કોઈને પણ આ પ્રકારે મૃત્યુની સજા ન આપવી જોઈએ.
પાદરીની પત્નીની હત્યાનો દોષિત
કેનેથ સ્મિથે 1988માં પોતાના સાથી જોન પાર્કર સાથે મળીને પાદરીની પત્ની એલિઝાબેથ સેનેટની હત્યા કરી હતી. આ હત્યાની સોપારી એલિઝાબેથના પતિએ જ કેનેથ અને પાર્કરને આપી હતી. પાર્કરને 2010માં ઝેરનું ઇન્જેક્શન આપીને મૃત્યુની સજા કરાઇ હતી. જ્યારે નવેમ્બર 2020માં કેનેથને પણ તે જ પ્રકારે ઝેરનું ઇન્જેક્શન આપવાનું હતું પરંતુ ઇન્જેક્શન મારવા માટે નર્સ નહીં મળવાના લીધે તે વખતે કેનેથની મૃત્યુની સજા ટળી ગઈ હતી.