નવી દિલ્હીઃ કેન્યાના નૈરોબી શહેરના વિમાનીમથકેથી ૧૬ વર્ષનો ટીનેજર તુર્કીશ એરલાઇનના વિમાનના લેન્ડિંગ ગિયર પર સવાર થઈ ૮,૦૦૦ કિમી દૂર આવેલા નેધરલેન્ડના માસ્ટ્રિચ્ટ એરપોર્ટ સુધી જીવતો પહોંચતાં સમગ્ર દુનિયા આશ્ચર્યચકિત થઇ ગઈ છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કુલ ૮,૦૦૦ કિલોમીટરના આ પ્રવાસ દરમિયાન પ્લેને તુર્કી અને બ્રિટનમાં હોલ્ટ પણ કર્યો હતો.
માસ્ટ્રિચ્ટ એરપોર્ટ પહોંચેલી ફ્લાઇટને એન્જિનિયર્સ રાબેતા મુજબ ચેક કરતાં હતાં ત્યારે તેમને વિમાનના લેન્ડિંગ ગિયરમાં આ ટીનેજર મળી આવ્યો હતો. તેને બહાર કાઢી ચેક-અપ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ તરુણની અસાધારણ શારીરિક ક્ષમતાથી સૌ કોઈ હેરાન છે. જોકે તેને લાંબા અંતરના પ્રવાસના કારણે હાઇપોથર્મિયા થયો છે. સ્વસ્થ થયા બાદ તેણે કેન્યામાં પોતાના પરિવાર સાથે વાત કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
૩૮,૦૦૦ ફૂટની ઊંચાઈ પર માનવીના હાડમાંસને થીજાવી દેતી માઇનસ ૫૦ ડિગ્રી ઠંડી હોય છે. તે ઉપરાંત આ ઊંચાઈ પર માનવીને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બને તેટલી ઓછી માત્રામાં ઓક્સિજન ઉપલબ્ધ હોય છે. તો વળી, વિમાનના ઉતરાણ વેળા લેન્ડિંગ ગિયર ખોલવામાં આવે ત્યારે પણ નીચે પડવાની ૧૦૦ ટકા સંભાવના હોય છે. આટલી બધી મુશ્કેલીઓ છતાં આ તરુણ ૮,૦૦૦ કિમીનું અંતર કાપીને નેધરલેન્ડ પહોંચ્યો તે જોઈને કોઈ પણ બોલી ઊઠે કે અહો આશ્ચર્યમ..!
પ્લેન ત્રણ વાર લેન્ડ થયું છતાં...
નેધરલેન્ડના એવિએશન એક્સ્પર્ટ હાલમાં તપાસ કરી રહ્યા છે કે આ તરુણ વિમાનના લેન્ડિંગ ગિયર સુધી કેવી રીતે પહોંચી ગયો? આટલી લાંબી સફર દરમિયાન તે છુપાયો હોવાની ખબર કેમ ના પડી? પ્લેન લેન્ડ થાય ત્યારે લેન્ડિંગ ગિયર ખૂલતા હોય છે અને કોઈ તેની અંદર છુપાયેલું હોય તો તરત જમીન પર પડીને મૃત્યુ પામે છે. આ કાર્ગો પ્લેન તૂર્કી, બ્રિટન અને નેધરલેન્ડ એમ કુલ ત્રણ વાર પ્લેન લેન્ડ થયું તેમ છતાં તેની સાથે એ દુર્ઘટના પણ ના થઈ.