ઓન્ટારિયો: ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની ગયા વર્ષે જૂન મહિનામાં ગોળી મારીને હત્યા કરાઇ હતી. હવે નિજ્જરની કહેવાતી હત્યાનો વીડિયો સામે આવ્યો છે. દૂરના અંતરે આવેલા કેમેરામાં વીડિયો રેકોર્ડ થઇ ગયો હતો. વીડિયોમાં બે હુમલાખોર નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળે છે. નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડાના સંબંધો કથળ્યા છે.
કેનેડાના સરે ખાતે આવેલા ગુરુનાનક શીખ પ્રબંધક સમિતિના તત્કાલીન અધ્યક્ષ હરદીપસિંહ નિજ્જરની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ઘટના સર્જાઈ તે સમયે હરદીપસિંહ નિજ્જર પોતાની પીકઅપ ટ્રકમાં ગુરુદ્વારાના પાર્કિંગમાંથી બહાર આવતાં જ તેની ટ્રક આગળ સફેદ રંગની સેડાન કાર આવીને થોભી ગઈ હતી. સેડાન કારમાંથી બહાર ઉતરીને બે લોકોએ નિજ્જર પર ગોળીબાર કર્યો હતો. કેનેડાના એક મીડિયા હાઉસ દ્વારા જારી થયેલો આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. નિજ્જરને ગોળી માર્યા પછી હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરી કારમાં ફરાર થઈ ગયા હતા. મીડિયા અહેવાલ મુજબ જે સ્થાને નિજ્જરને ગોળી વાગી હતી તેનાથી થોડા અંતરે બે યુવકો ફૂટબોલ રમી રહ્યા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાના સાક્ષીએ જણાવ્યું કે તે નિજ્જરની મદદ માટે તેની પાસે પહોંચ્યો હતો અને તે યુવકે હુમલાખોરોનો પીછો કરવા પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાને નજરે નિહાળનારે કહ્યું કે હુમલાખોરો ગોળીબાર કરીને જે કારમાં ફરાર થયા હતા તે કારમાં પહેલેથી જ ત્રણ લોકો બેઠેલા હતા નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજકીય વિવાદ પણ ચગ્યો હતો.