મુખરજીએ ત્રણ દાયકા બાદ દેશની જનતા દ્વારા કેન્દ્રમાં સ્થિર સરકાર માટે એક પક્ષને બહુમતી આપવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મતદાતાઓએ પોતાનું કામ કર્યું છે. હવે, આ જવાબદારી તેમની ઉપર છે જેમને આ વિશ્વાસને સન્માન આપવા પસંદ કર્યા છે. આ પહેલાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, વટહુકમ વિશેષ પરિસ્થિતિઓ માટે હોય છે. તેનો ઉપયોગ અસામાન્ય સંજોગોમાં જ થવો જોઈએ. મોદી સરકારે વીમા ક્ષેત્રે એફડીઆઇ વધારવા અને કોલસા ખાણની ઇ-હરાજી સહિત ઘણા કાયદાઓ માટે વટહુકમો પ્રસિદ્ધ કર્યા છે.
ધર્મ સંઘર્ષનું કારણ નથી
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ધર્મ લોકોને એક કરનારી શક્તિ છે. આપણે તેને સંઘર્ષનું કારણ ના બનાવી શકીએ. અલગ-અલગ સમુદાયો વચ્ચે સહનશીલતા અને સદભાવને સાવધાની સાથે જાળવી રાખવાની જરૂર છે.
મહિલાઓ અંગે ચિંતિત
રાષ્ટ્રપતિએ મહિલાઓ પર અત્યાચારો અને આતંકી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે એ જ દેશ ગ્લોબલ પાવર બની શકે છે જે મહિલાઓને અધિકાર આપે છે અને તેમનું સન્માન કરે છે. દુષ્કર્મ, હત્યા, રોડ પર છેડતી, અપહરણ અને દહેજ હત્યાઓ જેવા અત્યાચારોએ મહિલાઓના મનમાં પોતાના ઘરમાં પણ ભય પેદા કર્યો છે. માતા-પિતા, શિક્ષકો અને નેતાઓના સ્વરૂપમાં આપણાથી ક્યાં ભૂલ થઈ છે કે આપણા બાળકો સભ્ય વ્યવહાર અને મહિલાઓ પ્રત્યે સમ્માનના સિદ્ધાંતોને ભૂલી ગયા છે. તેમણે નિયંત્રણ રેખાએ યુદ્ધ વિરામના ભંગ અને આતંકી હુમલાઓ ધ્યાનમાં રાખીને તેને અટકાવવા માટે નક્કર કુટનીતિની સાથે સુરક્ષા વ્યવસ્થા સખત બનાવવાની જરૂર છે.