નવી દિલ્હી: વિદેશપ્રધાન એસ. જયશંકરે ગયા શુક્રવારે વર્તમાન ભૌગોલિક - રાજકીય ઘટનાક્રમ અને તેના દુષ્પરિણામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રશિયા શાસનકલાની એક વિશાળ પરંપરા ધરાવતો દેશ છે. રશિયા એશિયા અને પશ્ચિમના દેશોને બાદ કરતાં વિશ્વના અન્ય દેશો તરફ વધુ ધ્યાન આપે છે.
રાયસીના ડાયલોગમાં ભાગ લેતાં વિદેશપ્રધાન જયશંકરે મોસ્કો અને બેઇજિંગ વચ્ચે ઘટી રહેલા અંતરને મુદ્દે થયેલા સવાલ-જવાબમાં આ ટિપ્પણી આપી હતી. વિદેશપ્રધાને કહ્યું કે રશિયા એશિયાના અન્ય દેશો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પશ્ચિમના દેશોની નીતિ રશિયા અને ચીનને નજીક લાવે છે. પશ્ચિમના દેશો પાસે નીતિ બનાવનારા એવા લોકો છે કે જે પહેલાં તો રશિયા-ચીનને નજીક લાવે છે અને પછી તેમનાથી સાવધાન રહેવા કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટયૂટના કાર્યકારી નિદેશક માઇકલ ફુલિલોવ દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો.
આ પહેલાં જયશંકરે કહ્યું હતું કે રશિયા સાથે ભારત સ્થાયી મૈત્રી સંબંધો ધરાવે છે. મોસ્કોએ નવી દિલ્હીના હિતોને કદી નુકસાન પહોંચાડયું નથી. યૂક્રેન પર રશિયાએ આક્રમણ કર્યા છતાં ભારત અને રશિયાના સંબંધો મજબૂત બનતા રહ્યા. પશ્ચિમના અનેક દેશોએ વાંધો લીધો હોવા છતાં ભારતે રશિયા પાસેથી કાચા તેલની આયાત વધારી દીધી.
જી-20 નો વિસ્તાર થઈ શકે છે તો યૂએનએસસીનો વિસ્તાર શા માટે નહીં?
વિદેશપ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે જી-20નો વિસ્તાર થઇ શકે છે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા શા માટે વધારી ના શકાય? તેમણે કહ્યું કે ધુમમ્સ દૂર થઇ ચૂક્યું છે. લોકો પાછળ વળીને જોશે તો જોઇ શકશે કે જી-20માં આફ્રિકી સંઘના કાયમી સભ્યપદ મુદ્દે સહમતી બની શકી હતી.