સરોગસી માટે વિશ્વમાં જાણીતા બનેલા થાઈલેન્ડની સંસદે ગર્ભાશય ભાડે આપવાના મેડિકલ ઉદ્યોગનો અંત લાવવા માટે એક કાયદો પસાર કર્યો છે. સરકારે આ કાયદા હેઠળ વિદેશીઓને સરોગસીની મદદથી થાઈલેન્ડની મહિલાઓ દ્વારા બાળકના જન્મ પર પ્રતિબંધ મૂક્યો છે. થાઈલેન્ડમાં ગયા વર્ષે સરોગસીને લગતા કેટલાંક કૌભાંડોને લીધે ભારે હોબાળો થયો હતો. એક ઓસ્ટ્રેલિયન દંપતીએ સરોગસીની મદદથી થાઈલેન્ડની મહિલાની કૂખે ડાઉન સીન્ડ્રોમ અસરગ્રસ્ત જન્મેલા એક બાળકને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને માત્ર તંદુસ્સ્ત જોડિયા બહેનોને પોતાની સાથે લઈને ઓસ્ટ્રેલિયા જતું રહ્યું હતું એવો એક કિસ્સામાં આક્ષેપ કરાયો હતો. થાઈલેન્ડે ગયા વર્ષે ઓગસ્ટમાં વ્યાવસાયિક સરોગસીને ગુનો જાહેર કરતા આ મુસદ્દાને પ્રાથમિક મંજૂરી આપી હતી. તેને ૧લી નવેમ્બરે પસાર કરાયો હતો અને ગત સપ્તાહથી તે કાયદો બની ગયો છે.
HSBCમાં પોલીસના દરોડા
એચએસબીસી બેંક દ્વારા કાળા નાણાંને ધોળા કરાતું (મની લોન્ડરિંગ) હોવાની શંકા હેઠળ સ્વિસ પોલીસે ગત સપ્તાહે જીનીવામાં એચએસબીસીની બ્રાંચમાં દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે એચએસબીસીની જીનીવા બ્રાન્ચમાં ૧,૧૯૫ ભારતીયો સહિતના ખાતેદારોની યાદી તાજેતરમાં જાહેર થઇ હતી. કેટલાક જાસૂસી પત્રકારોએ આ બ્રાન્ચના એક લાખ ઉપરાંત ખાતેદારોની વિગતો જાહેર કરી હતી, જેમાં મોટા ઉદ્યોગપતિઓ અને જાણીતા રાજકારણીઓ સહિત ૧,૧૯૫ ભારતીય નામો હતા.
સ્વિસ પ્રોસીક્યુટર્સ ઓફિસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, ‘એચએસબીસી પ્રાઇવેટ બેન્ક (સ્વિટ્ઝર્લેન્ડ) અંગેના તાજેતરના ઘટસ્ફોટના પગલે સરકારી વકીલે મની લોન્ડરિંગ બદલ બેન્ક વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી છે.’
ISએ ઇજિપ્તનાં ૩૫ ખ્રિસ્તીને બંધક બનાવ્યાં
લિબિયામાં કાળો કેર વર્તાવનાર ત્રાસવાદી જૂથ આઈએસઆઈએસ દ્વારા ફરીથી ૩૫ ખ્રિસ્તીઓને બંધક બનાવાયા હોવાનું જાણવા મળે છે. આ તમામ ખ્રિસ્તીઓ ઇજિપ્તનાં નાગરિક છે, આ લોકો એક ફાર્મહાઉસમાં કામ કરતા હતા ત્યારે તેમને પકડવામાં આવ્યા હતા. ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ તેમની હત્યા કરે તેવો ભય વ્યાપ્યો છે. સૂત્રો કહે છે કે, ઇસ્લામિક સ્ટેટ અને અન્સાર અલ શરિયાના આતંકવાદીઓ દ્વારા તેમનું અપહરણ કરાયું હતું. અગાઉ આવી રીતે પકડેલા ૨૧ ખ્રિસ્તીઓની લિબિયાના દરિયાકિનારે ક્રૂર હત્યા કરી હતી. આ ઘટના બાદ ઇજિપ્તે ઇસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલાના વિરોધમાં ત્રાસવાદીઓએ ફરી ખ્રિસ્તીઓને બંધક બનાવ્યા હોવાનું માનવામાં આવે છે.