શારજાહઃ પોતાની ખરાબ સર્વિસને કારણે એર ઈન્ડિયા પ્રવાસીઓમાં બદનામ છે. આ સરકારી વિમાન કંપનીના એક પાયલોટે એવું કારનામું કર્યું છે જે વાંચીને તમે પણ ચોંકી જશો. એર ઈન્ડિયાના એક પાયલોટની દારૂ પીધેલી હાલતમાં શારજાહ એરપોર્ટ પરથી ધરપકડ થઇ હતી. આ પાયલોટ પીધેલી હાલતમાં જ શારજાહથી દિલ્લી વાયા કોચીની ફ્લાઈટ ઉડાવવા માટે જઈ રહ્યા હતા. આ ફ્લાઈટમાં ૧૨૦ પ્રવાસીઓ હતા. જ્યારે પાયલોટ વિમાનમાં પહોંચતા પહેલા સિક્યુરીટી ચેક કરાવી રહ્યો હતો ત્યારે સ્ટાફને અહેસાસ થયો હતો કે તે નશામાં છે. જ્યારે તેનો બ્રેથ એનલાઈઝરનો ટેસ્ટ કરાયો ત્યારે તે નશામાં જણાયો હતો. પાયલોટ વિમાન ઉડાવવાની હાલતમાં ન હતો. તેની તરત જ ધરપકડ કરવામાં આવી હતી.આ અફરા તફરીના પગલે ફ્લાઈટ ત્રણ કલાક મોડી ઉપડી હતી. ભારતના નિયમોની વાત કરવામાં આવે તો પાયલોટ જો દારૂ પીધેલી હાલતમાં ત્રણ વખત મળી આવે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવી શકે છે. આમ ઢીલા નિયમોના કારણે એર ઈન્ડિયાના પાયલોટ્સને રાહત મળે છે.