નવી દિલ્હીઃ કેનેડાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ)નું કહેવું છે કે ખાલિસ્તાની ત્રાસવાદી હરદીપસિંહ નિજરની હત્યાકેસની તપાસમાં ભારત સહકાર આપી રહ્યું છે. એનએસએ જોડી થોમસે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘હું એવું નહીં કહું કે ભારત તપાસમાં સહયોગ નથી આપી રહ્યું. બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર છે.'
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની ભૂમિ પર થયેલી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના આક્ષેપ કરતાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસ્યા હતા. 18 જૂન 2023ના રોજ ખાલિસ્તાની ત્રાસવાદીની કેનેડાના સરે ખાતેના ગુરુદ્વારા બહાર હત્યા થઈ હતી. ટ્રુડોએ આક્ષેપ કર્યા હતા કે જૂન 2023માં નિજ્જરની થયેલી હત્યા પાછળ ભારતીય ગુપ્તચર એજન્ટ્સની ભૂમિકા હતી. ભારતે આ તમામ આક્ષેપો ફગાવીને આક્ષેપો રાજકીય ઇરાદાસર થયા હોવાના આક્ષેપ કર્યા હતા.
આ પછી ગયા નવેમ્બરમાં અમેરિકી સત્તાવાળાએ કહ્યું હતું કે અમેરિકામાં શીખ ભાગલાવાદીની હત્યાના પ્રયાસને તેણે નિષ્ફળ કર્યો હતો. કેનેડાના એનએસએ દ્વારા એક મુલાકાતમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકાએ આપેલી જાણકારી અમારા દાવાને સમર્થન આપી રહી હતી. જોકે ભારત તપાસમાં સહયોગ કરીને તપાસમાં સાથ આપી રહ્યું છે.
કેનેડા-ભારત વચ્ચે રાજદ્વારી સંબંધો વણસતાં ભારત - પ્રશાંત સાગરમાં પોતાની વગ વધારવાની કેનેડાની મનની મનમાં રહી ગઈ હતી. ચીનના પડકારને પહોંચી વળવા આ મોરચે નવી દિલ્હીનો સહયોગ નિર્ણાયક કહી શકાય. રાજદ્વારી સંબંધો વણસતાં બંને દેશો વચ્ચે થનારી મુક્ત વેપાર સમજૂતી પણ ઘોંચમાં પડી હતી. કેનેડાના એનએસએ દ્વારા જોકે કહેવામાં આવ્યું હતું કે ભારત - પ્રશાંત સાગરમાં સક્રિય થવાની અમારી ક્ષમતા ભારત સાથેના સંબંધો પર આધારિત છે. મને લાગે છે કે અમે તે દિશામાં ફરી કામ કરવાની શરૂઆત કરી દીધી છે. કેનેડાની 20 લાખની વસતીમાં પાંચ ટકા વસતી ભારતીય વારસો ધરાવનારા લોકોની છે. ટ્રુડોએ આક્ષેપ કર્યા પછી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસ્યા હતા.