ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે એક હિન્દુ મહિલા ડોક્ટર ચોમેર ચર્ચામાં છે. ડો. સવીરા પરકાશ નામની આ હિન્દુ યુવતી પીપીપી (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી)ની ટિકિટ પર ચૂંટણી જંગમાં ઉતરવાની છે. ખૈબર પ્રાંતમાંથી ચૂંટણી લડનાર આ 25 વર્ષીય યુવા તબીબે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે.
ડો. સવીરા પરકાશ પ્રથમ હિન્દુ મહિલા છે કે જે ખૈબર પ્રાંતના બુનેર બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. સવીરા પરકાશે પીકે-25 જનરલ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. હાલમાં જે આ જિલ્લાની પીપીપી પાર્ટીની જનરલ સેક્રેટરી છે. સવીરાએ 2022માં અબોટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂરો કર્યો છે. સવીરાએ જણાવ્યું હતું કે મે સરકારી હોસ્પિટલોમાં કામ કર્યું તે દરમિયાન હોસ્પિટલોની દયનીય સ્થિતિ જોઇને મને લાગ્યું કે આ સ્થિતિને બદલવા માટે ચૂંટણી લડવી જરૂરી છે કે જેથી હું સત્તા મેળવીને કોઇ નિર્ણય લઇ શકું.
સવીરા બુનેર જિલ્લામાંથી ચૂંટણી લડનારી પ્રથમ મહિલા ઉમેદવાર પણ છે. તમામ બેઠકો કરતાં હાલ આ જિલ્લાની બેઠકની ચર્ચા વધુ જોવા મળી રહી છે. માત્ર 25 વર્ષની વયે તે ચૂંટણી લડી હોવાથી સૌથી યુવા મહિલા ઉમેદવાર તરીકે પણ તે ચર્ચામાં છે.