લાસ વેગાસઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે એક રિપબ્લિકન યહૂદી સંમેલનમાં આપેલા ભાષણમાં વિવાદાસ્પદ ટ્રાવેલ બેન (પ્રવાસ પ્રતિબંધ)ને ફરીથી લાગુ કરવાનું વચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટા ભાગના મુસ્લિમ દેશોને તેમણે ટાર્ગેટ કર્યા હતા. મીડિયા એજન્સી અનુસાર, ટ્રમ્પે પોતાના ભાષણમાં દર્શક-શ્રોતાઓને કહ્યું કે અમે કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદીઓને આપણા દેશની બહાર રાખીશું. તમને ટ્રાવેલ બેન યાદ છે? સત્તા પર આવ્યાના પહેલા જ દિવસે હું ટ્રાવેલ બેન લાગુ કરી દઈશ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પોતાના રાષ્ટ્રપતિપદની શરૂઆતમાં ટ્રમ્પે ઈરાન, લીબિયા, સોમાલિયા, સીરિયા, યમન અને શરૂઆતમાં ઇરાક અને સુદાનના પ્રવાસીઓના પ્રવેશ પર વ્યાપક પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આદેશને એક ધાર્મિક સમૂહ સામેનો ભેદભાવ ગણાવીને અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ ટ્રમ્પના કટ્ટર એન્ટિ ઇમિગ્રેશન એજન્ડા સાથેનો આ પ્રતિબંધ તેમના સમર્થકોમાં લોકપ્રિય થયો હતો. બીજી તરફ, વ્હાઇટ હાઉસના એક પ્રવક્તાએ ટ્રમ્પના આવા નિવેદન બદલ ટીકા કરી હતી.