ન્યૂ ઝીલેન્ડમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોહીથી લથપથ બાળકની મદદ માટે ૨૨ વર્ષીય શીખ યુવકે ધાર્મિક પરંપરા તોડી પાધડી ઉતારી હતી. મીડિયાના અહેવાલોમાં આ માનવીય પ્રયત્નની પ્રશંસા થઇ હતી. હરમન સિંહ જ્યારે પોતાના ઘરે હતો ત્યારે તેણે જોયું કે પોતાની મોટીબહેન સાથે શાળાએ જતા પાંચ વર્ષના બાળકને એક કારે ટક્કર મારી હતી. સિંહ તરત જ બાળક પાસે પહોંચ્યો અને તેણે જરા પણ વિચાર કર્યા વગર પોતાની પાઘડી ઉતારી બાળકના માથા પર બાંધી હતી. બાળકના માથામાંથી વધુ પ્રમાણમાં લોહી નીકળી રહ્યું હતું. સિંહે કહ્યું હતું કે મેં પાઘડી વિશે જરા પણ વિચાર કર્યો ન હતો. હું ફક્ત અકસ્માત વિશે વિચારી રહ્યો હતો. બાળકના માથામાંથી લોહી વહેતું હોવાથી મને તરત જ ખ્યાલ આવી ગયો કે તેના માથા પર કંઇક બાંધવાની જરૂર છે. તેથી મેં મારી પાઘડી ઉતારી તેના માથા પર બાંધી દીધી હતી. બાળકની મદદ કરવી એ મારી ફરજ હતી. શીખો માટે પાઘડી ઉતારવી એક અસામાન્ય બાબત ગણવામાં આવે છે પણ સિંહે જણાવ્યું હતું કે ઇમરજન્સી સ્થિતિમાં ધાર્મિક બંધન વચ્ચે આવતું નથી.
જેલ તોડવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ મુર્સીને મોતની સજાઃ મિસ્રની એક કોર્ટે ૨૦૧૧માં ભડકેલા બળવા દરમિયાન દેશમાં મોટાપાયે જેલ તોડવાની ઘટનાઓના આરોપમાં પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સી અને મુસ્લિમ બ્રધરહૂડના પ્રમુખ મોહમ્મદ બાદે સહિત ૧૦૫ સભ્યોને મોતની સજા ફટકારી છે. કોર્ટે જ્યારે આ સજા સભળાવી ત્યારે કઠેડામાં ઊભેલા મુર્સીએ હાથ ઊંચા કરીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
ઈરાકના રમાદી પર IS આતંકવાદીઓનો કબજોઃ આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)એ ઈરાકના અનબર પ્રાંતની રાજધાની રમાદી શહેર પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. સુરક્ષાદળો પોતાના સ્થાનો પરથી પાછા હટ્યાં પછી આઈએસએ આ ક્ષેત્ર પર કબજો જમાવી દીધો હતો. ઈરાકના અનબર પ્રાંતના ગવર્નરના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહના સમયમાં ઈસ્લામિક સ્ટેટના આંતકીઓના હાથે પ્રાંતીય રાજધાની રમાદીમાં નાગરિકો અને ઈરાકી સૈનિકો એમ કુલ મળીને ૫૦૦ લોકોની હત્યા થઈ હોવાનો અંદાજ છે. જ્યારે આતંકીઓના હુમલાના ભયથી ૮,૦૦૦ જેટલા લોકો શહેર છોડીને નાસી ગયા હોવાનું પણ જણાવાયું હતું.
મુશર્રફે ફરી ભારત વિરુદ્ધ નિવેદન કર્યુંઃ ભારત વિરુદ્ધ કાયમ ઝેર ઓકનાર પાકિસ્તાનના પૂર્વ સૈન્ય સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફે ફરીથી વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, કારગિલ યુદ્ધના સમયે પાકિસ્તાનની સેનાએ ઘૂસણખોરોની મદદથી ભારતીય સેનાનું ગળું પકડી લીધું હતું. તે ભારત માટે એક એવો પાઠ છે, જેને તે ક્યારેય નહીં ભૂલી શકે. મુશર્રફ ગત સપ્તાહે કરાચીમાં પોતાની રાજકીય પાર્ટી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગની યુવા શાખાના હોદ્દેદારોના શપથગ્રહણ સમારંભમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ત્રણ મહિના ચાલેલા યુદ્ધમાં પાકિસ્તાન જીતી ચૂક્યું હતું પણ ત્યારે નવાઝ શરીફ સરકાર પાછળ હટી ગઈ હતી. તેના કારણે સેનાની જીત હારમાં બદલાઈ ગઈ હતી.
બિનમુસ્લિમોની સુરક્ષાની જવાબદારી ઇસ્લામી સરકારોનીઃ પાકિસ્તાનમાં ૨૦૦ જેટલા ધર્મગુરુઓએ આત્મઘાતી હુમલા બિનઇસ્લામી હોવાનું જણાવતા ફતવો જાહેર કર્યો છે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે બિનમુસ્લિમ ધર્મસ્થાનો પર હુમલો તે ક્રૂર અપરાધ છે. ફતવામાં ઇસ્લામી સરકારોને તાલિબાન, આઇ.એસ.આઇ.એસ. અને અલ કાયદા જેવા સંગઠનોને કચડી નાખવા અપીલ કરવામાં આવી છે.