નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં આવેલી કડવાશ ખતમ થવાનું નામ લેતી નથી. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે કેનેડાએ ફરી એક વાર ઝેર ઓક્યું છે. પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજરની હત્યામાં ભારતની ભૂમિકાના પાયાવિહોણા આક્ષેપ કર્યાના મહિનાઓ પછી કેનેડાએ નવેસરથી ભારતને બદનામ કરવાની ચાલ ચાલી છે.
કેનેડાએ હવે ભારત વિદેશી ખતરો હોવાનું જણાવીને કહ્યું છે કે નવી દિલ્હી સંભવિતરૂપે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે. ‘ગ્લોબલ ન્યૂઝ’ આપેલા અહેવાલ મુજબ કેનેડાની સુરક્ષા સેવાના સિક્રેટ રિપોર્ટમાં આ મુજબ આક્ષેપ કરવામાં આવ્યા છે. ભારત સરકારે હજી કેનેડાના આ નવા આક્ષેપ સંદર્ભમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ગયા વર્ષે સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદની અંદર સંસદમાં આરોપ લગાવ્યા હતા કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની ભૂમિકા હોવાના નક્કર પુરાવા છે. જોકે ભારતે કેનેડાને આ મુદ્દે પુરાવા આપવાનું જણાવ્યું તો કેનેડા આઘુપાછું થવા લાગ્યું હતું. ભારતે તે સમયે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા હતા. આ પ્રકરણ પછી બંને દેશો વચ્ચે સંબંધો વણસવા લાગ્યા હતા. હવે કેનેડાની સુરક્ષા એજન્સીએ ચૂંટણીમાં સંભવિત હસ્તક્ષેપના આક્ષેપ કર્યા છે.
રિપોર્ટમાં ભારત મુદ્દે ચેતવણી
‘ગ્લોબલ ન્યૂઝ’ના જણાવ્યા મુજબ ઓક્ટોબર 2022માં ‘વિદેશી હસ્તક્ષેપ અને ચૂંટણી: એક રાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષા’ શીર્ષક હેઠળ ગોપનીય અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. તે અહેવાલમાં ભારતને ખતરો જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે વિદેશી હસ્તક્ષેપ કેનેડાની લોકશાહીને નબળી કરી શકે છે. વિદેશી હસ્તક્ષેપ પરંપરાગત રાજદ્વારી નીતિ કરતાં અલગ હોય છે. કારણ કે તેમાં જાહેર કથાઓ અને નીતિનિર્માણને પ્રભાવિત કરવા માટે ગોપનીયતા અને દગાનો ઉપયોગ થતો હોય છે.