• પટેલ યુવતી અને હબસી યુવકનાં લગ્નજીવનનો અંતઃ કેન્યામાં ગુજરાતી પરિવારની પુત્રી અને તેના ઘરના નોકર એવા આફ્રિકન યુવકના અનોખી પ્રેમ લગ્નનો તાજેતરમાં અંત આવ્યો છે. આ કિસ્સો ન્યૂઝ વેબસાઈટમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા વગેરે પર ખૂબ ચગ્યો હતો. સારિકા પટેલ અને ટિમોથી ખમાળાએ ઘેરથી ભાગીને કોર્ટમાં લગ્ન કર્યા હતાં પણ પતિની મારઝૂડને કારણે બંનેએ હવે છૂટાછેડા લીધા છે. જોકે હવે આફ્રિકન યુવક પશ્ચાતાપ કરે છે પણ સારિકાના પિતા તેને સ્વીકારવા તૈયાર નથી. તેઓ જે જોઈએ તે આપવા તૈયાર છે પણ સારિકાને પોતાને ઘરે આવકારવા તૈયાર નથી. આ પ્રેમકહાની પ્રચાર પ્રસાર માધ્યમોમાં ખૂબ ચગી હતી. સારિકા બીમાર પડી અને તેને સારવાર માટે હોસ્પિટલ ન લઈ જવાઈ તેથી તેણે પિયરનો સંપર્ક કર્યો હતો પણ માતા-પિતા તેને ફરી સ્વીકારવા તૈયાર ન હતા. અત્યારે એક સંબંધીને ત્યાં સારિકા રહે છે. સારિકાને ખરેખર પરત ફરવું છે પણ તેના પિતાએ શરત મૂકી છે કે તે હકીકતમાં પરત ફરવા માગે છે કે કેમ? સારિકાએ જણાવેલું કે તે સ્થાનિક સાથે લગ્ન કરી રોલમોડલ બનવા ઇચ્છતી હતી પણ હવે એશિયન સમાજ ક્યારેય તેને માફ નહીં કરે.
• ૨૬ એપ્રિલે બદરીનાથ મંદિરનાં દ્વાર ખોલાશેઃ ઉતરાખંડસ્થિત ભગવાન બદરીનાથનાં દર્શન માટે મંદિરનાં દ્વાર ખોલવાની તારીખ જાહેર થઇ છે. ૨૬ એપ્રિલેજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે સવા પાંચ વાગ્યે વિવિધ પૂજા-અર્ચના સાથે મંદિરનાં દ્વાર ખોલાશે. હિન્દુ ધર્મમાં માન્ય ચાર ધામોની યાત્રામાં સામેલ બદરીનાથ ભગવાનનું ધામ મહત્ત્વપૂર્ણ છે.
• ગુજરાતી દંપતીને કેરળમાં હાથીએ કચડ્યુંઃ અમદાવાદનું એક દંપતી કેરળના પ્રવાસે ગયું હતું જે દરમિયાન ત્યાંના ગાવી ખાતેના ફોરેસ્ટ ટ્રેકિંગ દરમિયાન એક જંગલી હાથીએ તેમને કચડી નાખતા બન્નેનાં મોત થયા છે. બાવન વર્ષીય ઉપેન્દ્ર રાવલ અને ૫૦ વર્ષીય જાગૃતિ રાવલ ફરવા ગયા હતા, જેમનાં મોત થયા હતા. ઉપેન્દ્રભાઈને ગાંડાતૂર હાથીએ સૂંઢ વડે પટકીને મારી નાખ્યા જ્યારે જાગૃતિબેનને પગ નીચે કચડી નાખ્યા હતા.
• ‘ચાર્લી હેબ્દો’નું વેચાણ ૭૦ લાખ થયુંઃ પેરિસમાં કાર્ટૂન મેગેઝિન પરના આતંકી હુમલા બાદ ‘ચાર્લી હેબ્દો’ના ‘સર્વાઈવર્સ’ અંકનું વેચાણ આશરે ૭૦ લાખ સુધી પહોંચ્યું છે. હુમલા પહેલાં તેનું સકર્યુલેશન ૬૦ હજાર નકલનું હતું. આ અંક હુમલાના એક જ અઠવાડિયા બાદ પ્રસિદ્ધ થયો છે. ફક્ત પેરિસમાં જ તેની ૬૩ લાખ નકલો વેચાઈ છે. સાત લાખ નકલો વિદેશી બજારમાં મોકલાઈ છે. જેમાં રાષ્ટ્રપતિ, પોપ વગેરેનાં કાર્ટૂન પ્રસિદ્ધ થતાં રહે છે. મેગેઝિનની કચેરી પર આતંકી હુમલામાં ૧૨નાં મોત થયાં હતાં.
• કિંગ અબ્દુલાની દફનવિધિ સાદગીથી સંપન્નઃ સાઉદી અરેબિયાના શાહ અબ્દુલ્લાનાં નિધન અંગે તેમના સાવકા ભાઈ અને નવા શાહ સલમાનને દિલસોજી પાઠવવા વિશ્વભરમાંથી મહાનુભાવો અને નેતાઓ સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. દરમ્યાન, દિવગંત શાહ અબ્દુલ્લાના દેહની ખૂબ સાદગીપૂર્વક દફનવિધિ કરવામાં આવી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ મંગળવારે રિયાધ પહોંચ્યા હતા અને નવા કિંગ સલમાનને મળ્યા હતા. ઓબામાએ આ મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયા સાથેના સંબંધોની તરફેણ કરી હતી.
• અમેરિકન કંપની ગાંધીના નામે બિયર નહીં વેચેઃ મહાત્મા ગાંધીના અપમાનને લઈને ભારતીય સમુદાયના વિરોધ સામે અમેરિકન કંપનીએ નમતું જોખવું પડ્યું છે. હવે કંપનીની બિયર બોટલ પર ગાંધીનો ફોટો જોવા મળશે નહીં, ગત સપ્તાહે કંપનીએ આ નિર્ણયની જાણ કરી હતી. ‘ન્યૂ ઈંગ્લેન્ડ’ નામની એક દારૂની કંપની ‘ગાંધી બોટ’ના નામે બિયર વેચતી હતી. બોટલ પર ગાંધીના ચહેરાનો ફોટો હતો. ઘટના બાદ કંપની સામે ભારતીય સમુદાયે વિરોધ કર્યો હતો. અહિંસાના પૂજારી તરીકે ભારત સહિત વિશ્વભરમાં તેમને માન આપવામાં આવે છે. દારૂ પર પ્રતિબંધ મૂકવા ગાંધીએ મોટી લડત આપી હતી. કંપનીએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, વિચાર-વિશર્મ કર્યા બાદ અમારું માનવું છે કે, ‘ગાંધી બોટ’નું નામ બદલવું યોગ્ય પગલું છે.